ખેડા જિલ્લામાં 45 મીટરનો બેટાવાડા બ્રિજ 60 મીટર લંબાઈનો બનાવાશે

- તા. 25 મીએ પુલનું ખાતમુહૂર્ત કરાશે
- વાહનોના વજન અને નદીના પ્રવાહને ધ્યાનમાં રાખી રૂા. 7.50 કરોડના ખર્ચે પુલ બનશે
કપડવંજ-બેટાવાડા પાસેનો જૂનો પુલ ૭.૫૦ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે. આ પુલનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. આ માર્ગ પરથી દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે. નવો પુલ તૈયાર થવાથી રોજના આશરે ૮૦ હજારથી વધુ વાહનચાલકોને મોટી રાહત મળશે.
લાંબા સમયથી બંધ પડેલા પુલને કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી, તેનો અંત આવશે. ૪૦ વર્ષ ઉપરાંત જૂનો આ પુલ જર્જરિત થવા પાછળનું મુખ્ય કારણ તેના ઉપરથી પસાર થતાં ભારે વાહનોનું વધતું ટ્રાફિક ભારણ હતું. જેના કારણે પુલ તેની ક્ષમતાથી વધુ ઘસાઈ ગયો હતો.
નવા બનનારા પુલની કામગીરી તેના ઉપરથી સતત પસાર થતા વાહનોના વજન તેમજ નદીના પ્રવાહની પહોંચીબળ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.
અત્યાર સુધી આ બ્રિજ ૪૫ મીટરનો હતો, પરંતુ નદીના બળને કારણે હવે આ બ્રિજની લંબાઈ ૬૦ મીટર વધારવામાં આવશે. આનાથી ચોમાસા દરમિયાન પણ વાહનચાલકોને રાહત રહેશે અને પુલની ટકાઉક્ષમતા પણ વધશે. તા. ૨૫ જુલાઈએ મુખ્યમંત્રી ખેડા જિલ્લાના પ્રવાસે નડિયાદથી આ બ્રિજના કામનું ખાતમૂર્હૂત કરશે.









