Gujarat

વિરમગામ શહેરમાં આજે 43મી રથયાત્રા નીકળશે

By GS TEAM
27 Jun 20251 min read
વિરમગામ શહેરમાં આજે 43મી રથયાત્રા નીકળશે

રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક મળી

રથયાત્રામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

વિરમગામવિરમગામ શહેરમાં આવેલ ઐતિહાસિક રામમહેલ મંદિરથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ૪૩મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિરમગામ શહેરમાં આવેલ ૪૫૦ વર્ષ જૂના ઐતિહાસિક રામમેહલ મંદિરથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ૪૩મી રથયાત્રા સવારનો ૧૧ઃ૦૦ કલાકે નીકળશે. ત્યારે વિરમગામ શહેરમાં એક ડીવાયએસપી, ૧૦ પીઆઇ, ૧૫ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ૧૫૦ પોલીસ જવાન, હોમગાર્ડ, વુમન પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ જવાન ડ્રોન કેમેરા, દૂરબીન, વોકીટોકી સાધનો સહિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિડીયોગ્રાફર રથયાત્રાના બંદોબસ્તમાં તેનાત રહેશે. પરંપરાગત રૃટ ઉપરથી રથયાત્રા ફરી સાંજના નિજ મંદિર પરત ફરશે.

બીજી તરફ વિરમગામ તાલુકા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં રથયાત્રાને લઈને સામાજિક એકતા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રામ મહેલ મંદિરના મહંત, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ શહેરના હિંદુ મુસ્લિમ અગ્રણીઓ, વ્યાપારીઓ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, રાજકીય આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે અને કોમી એકતા જળવાઈ તે માટે જરૃરી માર્ગદર્શન અને જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી.