Gujarat

સુરતમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણીથી ભક્તિભાવનો માહોલ : પાદુકા પૂજન, શોભાયાત્રા, અન્નકુટ, મહાઆરતી અને મહાપ્રસાદીના કાર્યક્રમો

By GS TEAM
29 Oct 20252 mins read
TukuTouch Logo
જય જય જલારામનો જયજયકારથી અનેક મંદિરો ગુંજી ઉઠ્યા, વહેલી સવારથી જ ભક્તોએ બાપાના દર્શન માટે લાઈન લગાવી

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણીથી ભક્તિભાવનો માહોલ : પાદુકા પૂજન, શોભાયાત્રા, અન્નકુટ, મહાઆરતી અને મહાપ્રસાદીના કાર્યક્રમો

Surat Jalapur Jayanti 2025: વીરપુરના સંત જલારામ બાપાની 226 માં જન્મ જયંતિ સુરતમાં ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. સુરતના સંખ્યાબંધ મંદિરમાં બાપાની સાલગીરી ઉજવવામાં આવી હતી. અનેક જગ્યાએ ભંડારા કરવામા આવ્યા હતા જેમાં હજારો લોકોએ પ્રસાદી લીધી હતી. મંદિરમાં બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી જેમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો હતો. અનેક મંદિરોમાં બાપાની જન્મજયંતિની ઉજવણી સાથે જય જય જલારામનો જયજયકારથી અનેક મંદિરો ગુંજી ઉઠ્યા હતા. 

કારતક સુદ સાતમને બુધવારે સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂજય જલારામ બાપાની 226 મી જન્મજયંતિ સુરતમાં ભારે શ્રદ્ધા પૂર્વક ઉજવવામાં આવી હતી. સુરતના બાલાજી રોડ ખાતે આવેલા જલારામ મંદિરમાં વહેલી સવારથી દર્શન, અન્નકુટ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ જલારામ ભક્તોની ભીડ જોવા મળી હતી.

શહેરના અડાજણ જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે શ્રી ઘોઘારી લોહાણા મહાજન અને શ્રી વિરબાઈ મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાપાની જન્મજયંતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાદુકા પૂજન, પૂજા આરતી, મહા આરતી અને મહા પ્રસાદી સાથે રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

વરાછાના લંબે હનુમાન રોડ પર શ્રી વિરદાદા જશરાજ સંગઠન અને શ્રી જલારામ અન્નક્ષેત્ર લાભેશ્વર દ્વારા સવારે નવ વાગ્યે લાભેશ્વર મંદિરથી ડી.જે.ના તાલે શોભાયાત્રા  નિકળી હતી. જે મીની બજાર પટેલ સમાજની વાડી ખાતે પહોંચી હતી. મીની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં અન્નકુટ, મહાઆરતી તથા બે વખત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ સુરતના મીની વિરપુર, ઉધના જલારામ મંદિર, લસકાણા, લાભેશ્વર, ઓલપાડ, એલ.પી. સવાણી રોડ સહિત અનેક વિસ્તારમાં જલારામ જયંતિની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો હતો. જય જય જલારામના જય જયકારથી અનેક વિસ્તાર ગુંજી ઉઠ્યા હતા.