નવરાત્રિમાં 150 વર્ષ જૂની માંડવી સ્થાપિત કરવાની પરંપરા અકબંધ
- કપડવંજ નગરના સુથારવાડા ચકલા ખાતે
- સ્થાનિક સુથાર સમાજ દ્વારા સાગમાંથી બનાવેલી 25 ફૂટ ઊંચી, 8 ફૂટ પહોળી માંડવડી આકર્ષણનું કેન્દ્ર
કપડવંજ નગરમાં અગાઉ સુથારવાડા, મોઢેશ્વરી માતાજી મંદિર ચોક તથા હોળીચકલા એમ ત્રણ સ્થળે નવરાત્રિ દરમિયાન માંડવી સ્થાપિત કરાતી હતી. કાળક્રમે હાલ માત્ર સુથારવાડા ચકલા વિસ્તારમાં જ અંદાજે ૨૫ ફૂટ ઊંચી અને ૮ ફૂટ પહોળી ૧૫૦ વર્ષ જૂની સાગના લાકડામાંથી બનાવેલી માંડવી પરંપરાગત રીતે સ્થાપિત કરાય છે. કલાત્મક વાઘ, સિંહ, પરીઓ, હંસ, વાજિંત્રો વગાડતી પૂતળીઓથી બનાવાઈ છે. આ માંડવી માત્ર અડધો કલાકમાં જ સરળતાથી જોડી શકાય તે રીતે નિર્માણ કરાઈ છે. ત્યારે આધૂનિક સમયે માંડવીને રોશની અને ફૂલોથી શણગારાય છે. જેની આસપાસ લોકો પરંપરાગત ગરબે ઘૂમે છે. વિસ્તારમાં ત્રણ વર્ષથી અંબાજી માતાની મૂર્તિની પણ નવ દિવસ સ્થાપના કરાય છે. દશેરાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દ્વારા વાજતે- ગાજતે માતાજીની મૂર્તિનું સંગમ નદીમાં વિસર્જન કરાય છે. ત્યારે નગરમાં એક માત્ર માંડવી સ્થાપિત કરી નવરાત્રિમાં ગરબાની રમઝટ જોવા સુથારવાડા ચકલામાં મોટી સંખ્યામાં ભક્તો- દર્શકો ઉમટે છે.