- તલાટીએ એક વર્ષમાં 2,000 જેટલા બોગસ લગ્ન કરાવ્યા હોવાના આક્ષેપમાં તપાસની ગતિ તેજ
- કણજીપાણીના તલાટીના સહી-સિક્કા વાળા કોરા લેટરપેડ ખેડાના વકીલો પાસે અગાઉથી જ ઉપલબ્ધ રહેતા હોવાથી પંચમહાલ ગયા વગર જ નડિયાદ કે ખેડાના અન્ય સ્થળોએ બેઠા-બેઠા લગ્નનું પ્રમાણપત્ર મળી જતું હોવાનો આક્ષેપ
નડિયાદ : પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામમાં તલાટી દ્વારા આચરવામાં આવેલા બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં હવે નવા ખુલાસા થઈ રહ્યાં છે. કણજીપાણી ગામના તલાટીના સહી-સિક્કા વાળા કોરા લેટરપેડ ખેડાના વકીલો પાસે અગાઉથી જ ઉપલબ્ધ રહેતા હોવાથી યુગલને પંચમહાલ ગયા વગર જ નડિયાદ કે ખેડાના અન્ય સ્થળોએ બેઠા-બેઠા લગ્નનું પ્રમાણપત્ર મળી જતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ રેકેટમાં ખેડા જિલ્લાના નડિયાદ સહિતના વિસ્તારોના ૩થી ૪ સિનિયર વકીલોની સંડોવણી હોવાની આશંકા વચ્ચે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે.
પંચમહાલના કણજીપાણી ગામમાં તલાટી અને એજન્ટોની મિલીભગતથી ચાલતા લગ્ન નોંધણીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે આ કેસમાં ખેડા જિલ્લાનું કનેક્શન બહાર આવે તેવી શક્યતાઓ છે. સરદાર પટેલ ગુ્રપના અધ્યક્ષે કરેલા ઘટસ્ફોટ બાદ એવી વિગતો બહાર આવી છે કે, ખેડા જિલ્લાના કેટલાક સિનિયર વકીલો આ આખા નેટવર્ક સાથે સીધી રીતે સંકળાયેલા છે. આ વકીલો દ્વારા જ અધૂરા દસ્તાવેજો હોવા છતાં યુગલોના લગ્ન કણજીપાણી ખાતે કરાવી આપવામાં આવતા હતા. તપાસ ટીમ હવે આ વકીલોની ભૂમિકા અંગે ઊંડી તપાસ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ રેકેટની મોડસ ઓપરેન્ડી અંગે એવી પણ ચર્ચાઓ જાગી છે કે, કણજીપાણીના તલાટીના સહી-સિક્કા વાળા કોરા લેટરપેડ ખેડાના આ વકીલો પાસે અગાઉથી જ ઉપલબ્ધ રહેતા હતા. જેના કારણે કોઈ પણ યુગલને રૂબરૂ પંચમહાલ ગયા વગર જ નડિયાદ કે ખેડાના અન્ય સ્થળોએ બેઠા-બેઠા લગ્નનું પ્રમાણપત્ર મળી જતું હતું. તાજેતરમાં ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ સામે આવેલા કિસ્સામાં એક યુવતીની ૩ કલાકમાં ૪ શહેરોમાં હાજરી બતાવવામાં આવી હતી, જે આ વકીલો અને તલાટીની મિલીભગત વગર શક્ય ન હોવાનું માનવામાં આવે છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રેક્ટિસ કરતા ૩થી ૪ જેટલા નામી વકીલોના નામ આ વ્યવહારમાં ઉછળતા કાનૂની આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે. કણજીપાણીના તલાટી અર્જૂન મેઘવાલે એક વર્ષમાં ૨,૦૦૦ જેટલા લગ્ન કરાવીને અંદાજે ૫૦ લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો દાવો થયો છે, ત્યારે આ કમાણીનો મોટો હિસ્સો વકીલો અને વચેટિયાઓ સુધી પહોંચ્યો હોવાની આશંકા છે. આ કૌભાંડના છેડા છેક નડિયાદ સુધી પહોંચતા હવે તપાસનો રેલો ખેડા જિલ્લાના વકીલોના ચેમ્બર સુધી પહોંચશે તેવું જણાઈ રહ્યું છે. સરકાર આ મામલે કડક તપાસના આદેશ આપે તો અનેક મોટા માથાઓની સંડોવણી ખુલ્લી પડી શકે તેમ છે.
નડિયાદમાં એક લગ્ન કરાવવાનો ભાવ રૂપિયા 7 થી 25 હજાર
નડિયાદમાં લગ્ન રજિસ્ટ્રેશન કરાવવા માટે યુગલો મિત્રો મારફતે વકીલોનો સંપર્ક કરતાં હોય છે, જ્યાં વકીલો દ્વારા યુગલના દસ્તાવેજો કેટલા છે ? તમામ દસ્તાવેજો છે કે, પછી અધુરા દસ્તાવેજો સાથે લગ્ન કરાવવાના છે, તેના પર ભાવ નક્કી થાય છે. ઉપરાંત યુગલનું આથક બેકગ્રાઉન્ડ પણ ધ્યાને લઈ ૭ હજારથી માંડી ૨૫ હજાર સુધીનો ભાવ નક્કી થવાનું ચર્ચાઈ રહ્યું છે.


