Get The App

ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં રૂા. 2.13 કરોડની ઉચાપતનું કૌભાંડ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં રૂા. 2.13 કરોડની ઉચાપતનું કૌભાંડ 1 - image


- ત્રિપૂટી વિરૂદ્ધ ક્રેડિટ સોસાયટીના મંત્રીએ ફરિયાદ નોંધાવી

- તત્કાલિન પ્રમુખ, મંત્રી અને ક્લાર્કે 31 સભાસદોની જાણ બહાર લોન ઉધારી રકમ અંગત કામમાં વાપરી ગેરરીતિ આચરી

ડાકોર : ઠાસરા તાલુકાના ૧,૧૪૮ સભાસદો ધરાવતી ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં પૂર્વ પ્રમુખ, મંત્રી અને ક્લાર્કે ભેગા મળીને રૂા. ૨.૧૩ કરોડની ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ ઠાસરા પોલીસ મથકે નોંધાઈ છે. મંડળીની ત્રિપૂટીએ ૩૧ સભાસદોની જાણ બહાર ગેરકાયદે લોનો ઉધારીને ઉચાપતની રકમ અંગત કામમાં વાપરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.

ઠાસરા ખાતે ધી ઠાસરા ટીચર્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિ. આવેલી છે. જેમાં હાલમાં ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના ૧,૧૪૮ સભાસદો છે. ક્રેડિટ સોસાયટીમાં ૨ એપ્રિલ ૨૦૧૨થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૨ સુધી સોસાયટીના મંત્રી તરીકે નડિયાદ- ઉત્તરસંડાના રહેવાસી અજીતસિંહ રાવસિંહ ઝાલા, પ્રમુખ તરીકે ગળતેશ્વરના અંબાવના રહેવાસી ગોકળભાઈ હેમાભાઈ ઠાકોર (૧૦-૮-૨૦૧૦થી ૧૬-૧-૨૦૨૨), કમ્પ્યુટર ક્લાર્ક તરીકે ઠાસરાના પંકજ દેસાઈભાઈ પરમાર ફરજ બજાવતા હતા. ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખ, મંત્રી અને કમ્પ્યુટર ક્લાર્કે સોસાયટીને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુસર મોટી રકમની ઉચાપત કરી હતી.

ક્રેડિટ સોસાયટીના ૩૧ જેટલા સભાસદો- ખાતેદારોની જાણ બહાર ત્રિપૂટીએ ગેરકાયદે લોન ઉધારી નાણાકીય ગેરરીતિ આચરી કૌભાંડ આચર્યું હતું. ક્રેડિટ સોસાયટીમાંથી રૂા. ૨.૧૩ કરોડ અંગત કામમાં વાપરી દીધા હતા. આ અંગે ૨૦૨૨માં નવા પ્રમુખ સતીષભાઈ પટેલ નીમાયા ત્યારે તેમણે ક્લાર્કને નિયમિત લોન કપાતના હત્યા કાપવાનું કહેતા ગેરકાયદે લોનો ઉધારેલી હોવાનું જાણવા મળ્યું હતું. જેની જાણ થતાં સભાસદ શિક્ષકોએ હોબાળો મચાવતા પ્રમુખ સતીષભાઈ પટેલે ૨૦૨૨માં જિલ્લા રજિસ્ટ્રારમાં છેતરપિંડીની અરજી કરી હતી. જેના અનુસંધાને તપાસ અધિકારીઓ નિમાયા બાદ તેમણે તપાસનો રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટમાં ઠાસરા ટીચર્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિ. મંડળીમાં ૩૧ શિક્ષકોના ખાતામાં પૂર્વ પ્રમુખ ગોકળભાઈ ઠાકોર, પૂર્વ મંત્રી અજીતસિંહ ઝાલા અને ક્લાર્ક પંકજભાઈ પરમારે સભાસદોની જાણ બહાર ગેરકાયદે લોનો ઉધરાવી રૂા. ૨.૧૩ કરોડનું કૌભાંડ કર્યું હોવાનું ખૂલ્યું હતું. મંડળીના પાંચ ખાતેદારોએ ખોટી રીતે લોન ઉધારેલી હોવાની ફરિયાદ ક્રેડિટ સોસાયટીમાં કરી હતી. જે સંદર્ભે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. 

ત્યારે ઠાસરા ટીચર્સ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના હાલના મંત્રી ચંદ્રકાંતભાઈ મોહનભાઈ વાણંદે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પૂર્વ પ્રમુખ ગોકળભાઈ હેમાભાઈ ઠાકોર, પૂર્વ મંત્રી અજીતસિંહ રાવસિંહ ઝાલા અને પૂર્વ ક્લાર્ક પંકજકુમાર દેસાઈભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

2016 થી 2022 સુધી બે ચૂંટણી થવા છતા મામલો કેમ દબાવી રખાયો

૨૦૧૬થી ૨૦૨૨ સુધીમાં બે વખત ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી થઈ હતી. જેમાં પણ આ જ વહીવટદાર હતા. તો ત્યારે કેમ કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, ૨૦૧૬માં ઉચાપતની પ્રથમ અરજી થઈ હતી ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ઉચાપતનો કેસ ૨૦૨૨ સુધી કેમ દબાવી રાખ્યો હતો તેવા સવાલો શિક્ષકો કરી રહ્યા છે. 

Tags :