ઠાસરાના પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
વણાંકબોરી ડેમ ઓવરફ્લો થતા પાણી છોડાયું
ગળતેશ્વરમાં એનડીઆરએફની ટીમ મૂકી દેવાઈ, લોકોને તકેદારી રાખવા માટે સૂચના
ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે અત્યારે વણાંકબોરી ડેમનું લેવલ ૨૩૧ ફૂટે પોહચ્યું છે. ઉપરવાસમાંથી નવા નીર આવતાની સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હાલ વણાંકબોરી ડેમ ખાતેથી ૩.૩૦ લાખ ક્યૂસેક પાણી પસાર થનાર છે જેને પગલે ડેમ ૨૩૫ ફૂટે ડેમની સપાટી પહોંચે તેવી સંભાવના સેવાઇ રહી છે.
ડેમનું લેવલ હાલ ૨૩૬ ફૂટે વાઈટ સિગ્નલ અને ૨૪૬ ફૂટે રેડ સિગ્નલ આવે છે. જેમાં હાલ ઉપરવાસમાંથી વધુ પાણી છોડવામાં આવતા ઠાસરા પ્રાંત અધિકારી કરણ પ્રજાપતિ દ્વારા તાકીદે તમામ ગ્રામ પંચાયત તલાટીને બોલાવી તાત્કાલિક મીટિંગ ગોઠવીને તમામ નીચાણવાળા વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે.
ગળતેશ્વર ખાતે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોને અગમચેતી પગલાંરૂપે એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.