- શહેરમાં તથ્યવાળી થતા રહી ગઈની ચર્ચા
- કાર રોડ પરથી કોમ્પ્લેક્સની રેલિંગ તોડી લટકી કાર ચાલક સાથે મહિલા વકીલ પણ હોવાની ચર્ચા
આણંદ શહેરમાં દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે થારના ચાલકે પૂરઝડપે હંકારી અકસ્માત કર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અકસ્માત સર્જી નજીકના કોમ્પલેક્સ આગળની રેલિંગ તોડી કાર અડધી લટકી ગઈ હતી. જ્યારે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળવા સાથે અંદરનો સામાન રોડ પર વેરણછેરણ પડયો હતો. કારની હાલત જોતા કાર ઓવર સ્પીડમાં હોવાની આશંકા છે. આ અંગે જાણ થતા આણંદ શહેર પોલીસની ટીમ ઘટના સ્થલે દોડી ગઈ હતી. અકસ્માત વખતે ચાલકની સાથે મહિલા વકીલ પણ કારમાં સવાર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પોલીસ કારના ચાલકની પૂછપરછ કરતી હતી ત્યારે વર્દી કોણે લખાવી તેવા સવાલો પૂછી મહિલા વકીલે રોફ જમાવી ટોળાને છૂટા પડવા કહેવામાં આવ્યું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
આણંદ શહેર પોલીસ મથકમાં મોડી સાંજ સુધી અકસ્માત અંગે કોઈ ફરિયાદ ના નોંધાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. ત્યારે શહેર પોલીસ હજૂ તપાસ ચાલુ છે તેવું એક જ રટણ કરી રહી છે. શહેર પોલીસ દિવાળી કરવાના મૂડમાં હોવાની ટીખળો પણ વહેતી થઈ છે.


