Jamnagar News : જામનગરથી બેફામ થાર લઈને નીકળેલા યુવકે ભાયાવદર સુધી અનેક વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. ભાયાવદર પોલીસે ભારે જહેમત બાદ યુવકને ઝડપી પાડ્યો હતો. યુવક નશામાં હોવાનું જણાયું હતું. બેફામ રીતે કાર ચલાવીને અનેક વાહનોને અડફેટે લેનારા યુવક સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવકે અનેક વાહનોને લીધા અડફેટે
યુવક રસ્તા પર બેફામ થાર ચલાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, નશામાં ધૂત યુવકને પોલીસ પકડવા ઘણાં પ્રયત્ન કરે છે પરંતુ તે કાર દોડાવી મૂકે છે. પોલીસ દ્વારા યુવકનો પીછો કરીને તેને રોકવામાં આવે છે અને યુવકને કારમાંથી બહાર કાઢીને પોલીસ વાનમાં બેસાડવામાં આવે છે.

ઘટના સમયે લોકોના ટોળા ઉમટ્યા હતા. થાર ચાલક પોલીસકર્મી સાથે પણ ઝપાઝપી કરતો વીડિયોમાં જોવા મળે છે, ત્યારે પોલીસે યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


