ગોપાષ્ટમી પર્વ નિમિત્તે ગાયનું પૂજન કરી ગૌગ્રાસ અર્પણ કરાયો: શ્રીમસ્તક ઉપર ગોવાળની પાઘડી, ખંભે કાંબડીનો ખેસ અને સુવર્ણની છડી ધારણ કરાવી સુશોભિત કરાયા
દ્વારકા, : કૃષ્ણની કર્મભૂમિ અને ભારતનું પ્રમુખ યાત્રાધામ દ્વારકામાં આજે કારતક સુદ અષ્ટમીના શુભદિને જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી.શ્રીજીને બપોરે રાજભોગ સાથે વિશેષ અંદકી ભોગ અર્પણ કરાયો હતો. વારાદાર પુજારી પરિવાર દ્વારા ઠાકોરજીને ગોવાળીયાના ભાવનો શૃંગાર કરાવેલ જેમાં શ્રીમસ્તક ઉપર ગોવાળની પાઘડી, ખંભે કાંબડીનો ખેસ અને સુવર્ણની છડી ધારણ કરાવી ગોપાલકૃષ્ણનો વિશેષ શૃંગાર કરવામાં આવેલો હતો.ગાય માતાને સવારે સ્નાનાદિ બાદ ગંધ-પુષ્પાદિથી વિશેષ પૂજન અર્ચન કરી લીલું ઘાસ તથા અન્ય ભોજન કરાવવામાં આવ્યું હતું. ગૌગ્રાસ અર્પણ કરી તેની પરિક્રમા કરવામાં આવી હતી.
પૌરાણિક માન્યતા અનુસાર બાલકૃષ્ણે માતા યશોદા પાસે તેમના અન્ય ગોપાલકોની જેમ ગાયો ચરાવવા જવા માટે અનુમતિ માગતાં માતા યશોદાએ આચાર્ય ગર્ગાચાર્યે આપેલ અષ્ટમીના મુહૂર્ત અનુસાર આજના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને સૌપ્રથમવાર ગોવાળીયાના વો પરિધાન કરાવી જંગલમાં ગાયો ચરાવવાની અનુમતિ આપેલ હતી. લોકવાયકા મુજબ ગાય માતા એ ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય હોય અને તેઓ પણ તેમની પૂજા કરતાં હોય આરાધ્યની પણ આરાધ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય એવી ગોમાતાને પણ આજના દિને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે.
દર વર્ષે કારતક સુદ અષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમીની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવે છે. અને ભગવાનને ગોળાળિયા સ્વરૂપના વો પરિધાન કરાવવાનો ભાવ વ્યકત કરવામાં આવે છે. ગાય માતાને સવારે સ્નાનાદિ બાદ ગંધ-પુષ્પાદિથી વિશેષ પૂજન અર્ચન કરી લીલું ઘાસ તથા અન્ય ભોજન કરાવી તેમજ ગૌગ્રાસ અર્પણ કરી તેની પરિક્રમા કરી ચરણરજ માથે ચડાવવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, વાસ્તુ દોષનો નાશ થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપાદ્રષ્ટિ હંમેશા બની રહે છે.


