No More Luxury Spending: બનાસકાંઠાના ઓગાડમાં આગામી 4 જાન્યુઆરીએ યોજાનારા ઠાકોર સમાજના ભવ્ય મહાસંમેલન પહેલા પાટણમાં ઠાકોર સમાજ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ઠાકોર સમાજની મળેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરિવાજોને ડામવા અને દેખાડા પાછળ થતાં ખર્ચને રોકવા માટે 16 નવા નિયમો સાથેનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે.
નવા બંધારણના મુખ્ય 16 નિયમો અને નિર્ણયો
સમાજના ઉત્થાન માટે ઘડાયેલા આ બંધારણમાં લગ્ન, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા અને સનરૂફ ધરાવતી મોંઘી ગાડીઓ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ભપકાદાર ખર્ચને ઘટાડીને તે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવા હાકલ કરવામાં આવી છે.
જાણો કયા નવા નિયમો ઘડાયા?
સગાઈમાં મર્યાદિત સંખ્યા
સગાઈના પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી કુલ મળીને માત્ર 21 વ્યક્તિઓ જ હાજર રહી શકશે.
સગાઈની ભેટ
સગાઈમાં ભેટ તરીકે માત્ર 1 રૂપિયો રોકડો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપવાના રહેશે.
લગ્નનો સમયગાળો
આખા વર્ષમાં માત્ર બે માસ (મહા અને વૈશાખ સુદ 1થી 15) દરમિયાન જ લગ્નપ્રસંગો યોજી શકાશે.
જાનની મર્યાદા
લગ્નમાં જાનની સંખ્યા વધુમાં વધુ 100 વ્યક્તિઓ સુધી જ સીમિત રાખવાની રહેશે.
વાહનોની સંખ્યા
જાનમાં મહત્તમ 11 વાહનો જ લઈ જઈ શકાશે.
બાળકોની ગણતરી
જાનની સંખ્યા ગણતી વખતે 10 વર્ષથી ઉપરના તમામ બાળકોને પણ પુખ્ત વ્યક્તિ તરીકે જ ગણવામાં આવશે.
ગાડીઓ પર પ્રતિબંધ
જાનમાં સનરૂફવાળી ગાડીઓ લાવવી કે ગાડીઓની લાંબી કતારો કરી રસ્તો રોકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
સંગીતની મર્યાદા
પ્રસંગમાં DJ કે મોટા લાઉડસ્પીકરના બદલે માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડવાની જ પરવાનગી રહેશે.
જૂની પ્રથાઓની નાબૂદી
લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ અને ઓઢમણા જેવી જૂની અને ખર્ચાળ પ્રથાઓ સદંતર બંધ કરવામાં આવશે.
હલદી રસમ પર નિયંત્રણ
હલ્દી રસમ (પીઠી) અને તેવા અન્ય ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ રહેશે.
જમણવારનું મેનુ
જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી અને મીઠાઈમાં માત્ર એક જ પ્રકારની મીઠાઈ પીરસવી.
મામેરાના નિયમો
મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવું.
મરણપ્રસંગની સાદગી
મરણપ્રસંગ પછીના ભોજનમાં માત્ર ખીચડી અને કઢી જ બનાવવાની મર્યાદા રાખવી.
જન્મદિવસની ઉજવણી
જન્મદિવસ પાછળ થતો બિનજરૂરી ખર્ચ રોકી, તે રકમ શૈક્ષણિક સંસ્થા અથવા લાઇબ્રેરીમાં દાન કરવી.
નશાબંધી
કોઈપણ સામાજિક કે કૌટુંબિક પ્રસંગમાં દારૂ કે અન્ય કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થોના ઉપયોગ પર સખત પ્રતિબંધ રહેશે.
ભાગીને લગ્ન કરનારનો બહિષ્કાર
સમાજના નીતિ-નિયમો વિરુદ્ધ કરેલા મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં. સમાજની મર્યાદા નેવે મૂકીને ભાગીને લગ્ન કરનારા યુગલોને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં તેવો કડક નિર્ણય લેવાયો છે. આ બંધારણના ચુસ્ત અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંકલન સમિતિઓની રચના કરવામાં આવશે.
સાંસદ ગેનીબેન ઠાકોરે લેવડાવ્યા શપથ
આ બેઠકમાં ખાસ ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે નવા સામાજિક બંધારણનું વાંચન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સમાજના અગ્રણીઓને આ નિયમોનું પાલન કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. આ બંધારણ બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ સહિતના ત્રણ જિલ્લાના 27 તાલુકાઓને લાગુ પડશે.
4 જાન્યુઆરીએ ઓગાડ ખાતે મહાસંમેલન
આ સામાજિક સુધારાની લહેર વચ્ચે આગામી 4 જાન્યુઆરીએ બનાસકાંઠાના ઓગાડ ખાતે ઠાકોર સમાજનું વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં 40 હજારથી વધુ લોકો એકઠા થવાની સંભાવના છે. દરેક ગામમાંથી 50થી 200 જેટલા આગેવાનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સાધુ-સંતો, બુદ્ધિજીવીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો હાજરી આપશે.
નોંધનીય છે કે અગાઉ રાધનપુરના મહેમદાવાદ ગામે પણ આ પ્રકારે ખર્ચાળ રિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી પ્રેરાઈને હવે સમગ્ર સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે.


