થાઈલેન્ડ ટૂરના બહાને લાખોની છેતરપિંડી: અમદાવાદના ટ્રાવેલ એજન્ટો રફુચક્કર, 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Thailand Trip Fraud in Ahmedabad: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક ટ્રાવેલ એજન્સીએ વિદેશ પ્રવાસના શોખીન લોકોને સસ્તા પેકેજની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. થાઈલેન્ડની ટૂર, વિઝા અને ફ્લાઇટ ટિકિટના નામે કુલ 9.71 લાખ રૂપિયા પડાવીને એજન્સીના માલિકો ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા. જોકે, ચાર મહિના બાદ આ મામલે ફરિયાદ નોંધાતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાહેરાત જોઈને સંપર્ક કર્યો અને છેતરાયા
શાહીબાગ વિસ્તારમાં રહેતા વેપારી રોહિતભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઓગસ્ટ 2025માં રોહિતે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પેકેજોની જાહેરાત જોઈને શિવરંજની-સેટેલાઇટ સ્થિત 'કે.સી. હોલિડેઝ' નામની પેઢીનો સંપર્ક કર્યો હતો. કંપનીએ ફૂકેટ, ક્રાબી અને બેંગકોકની 8 દિવસ અને 7 રાતની ટ્રિપ માટે પ્રતિ વ્યક્તિ 75,000 રૂપિયાનું પેકેજ ઓફર કર્યું હતું. જેમાં ટિકિટ, વિઝા અને રહેવા-જમવાની સુવિધાનો સમાવેશ થતો હતો. ફરિયાદીએ તેમના પરિવારના ત્રણ સભ્યો માટે કુલ 2.10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જેમાં બેન્ક ટ્રાન્સફર દ્વારા 1.10 લાખ રૂપિયા અને રોકડમાં 1 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે, જેની રસીદો કંપની દ્વારા જારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરત: જનતાને દંડ પણ નેતાઓને છૂટ? રાજકીય રેલીઓમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા
મુસાફરીના 10 દિવસ પહેલા જ ભાંડો ફૂટ્યો
આ ટ્રિપ 14મી ડિસેમ્બર, 2025ના રોજ જવાની હતી. જોકે, પ્રસ્થાનના દસ દિવસ પહેલા જ ફરિયાદીને જાણવા મળ્યું કે ટ્રાવેલ એજન્સીના સંચાલકો ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા છે. તપાસ કરતા અન્ય અનેક લોકોએ પણ આ એજન્સીમાં લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકોમાં રવિભાઈ વચેટા પાસેથી 4 ટિકિટ માટે 3.20 લાખ રૂપિયા, કુણાલભાઈ વચેટા પાસેથી 3 ટિકિટ માટે 2.40 લાખ રૂપિયા અને નરેશ વચેટા પાસેથી 2 ટિકિટ માટે 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. હાલ સેટેલાઇટ પોલીસે ફરિયાદી રોહિતભાઈની ફરિયાદના આધારે ટ્રાવેલ એજન્સીના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ, પારુલબેન ચૌહાણ અને કર્મચારી વિવેક સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે.
પોલીસના જણાવ્યાનુસાર, આરોપીઓએ લોકો પાસેથી રોકડ અને ઓનલાઈન નાણાં સ્વીકાર્યા હતા પરંતુ કોઈ પણ પ્રકારની ટ્રાવેલ વ્યવસ્થા પૂરી પાડી નહોતી. હાલ પોલીસ આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તપાસ દરમિયાન છેતરપિંડીનો આ આંકડો હજુ વધવાની શક્યતા છે.








