Gujarat

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે

By GS TEAM
26 Mar 20262 mins read
સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના  વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે

વડોદરાઃ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને તો દર વર્ષે સ્કૂલો શરુ થાય તે પહેલા પાઠય પુસ્તકોની અછતની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે અને પાઠય પુસ્તકો માટે દુકાનોના ધક્કા ખાવા પડતા હોય છે.હવે આ જ સ્થિતિ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના  વિદ્યાર્થીઓ માટે સર્જાઈ છે.સીબીએસઈ સ્કૂલોમાં તા.૧ એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ ધો.૯ના પાઠય પુસ્તકો હજી સુધી માર્કેટમાં આવ્યા નથી અને આ પુસ્તકોને બજારમાં આવતા બીજા ૧૫ થી ૨૦ દિવસનો સમય લાગે તેમ છે.

વડોદરા શહેર અને તેની આસપાસ ૫૫ જેટલી સીબીએસઈ સ્કૂલો  છે.જેમાં ધો.૯ના ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષના થોડા દિવસ પાઠય પુસ્તકો વગર જ ભણવાનો વારો આવશે.ધો.૯ના મુખ્ય વિષયોમાં અંગ્રેજી, મેથ્સ, સોશ્યલ સાયન્સ, સાયન્સ, હિન્દી અને સંસ્કૃતનો સમાવેશ થાય છે.

ધો.૯ના પાઠય પુસ્તકોના અભ્યાસક્રમમાં એનસીઈઆરટી( નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે અને આ પુસ્તકો હજી પ્રકાશિત થયા નથી.જેના કારણે દુકાનો સુધી ધો.૯ના પાઠય પુસ્તકો પહોંચ્યા નથી અને આ બાબતે સીબીએસઈ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર પાઠવીને જાણ પણ કરવામાં આવી છે તેમ બૂક સેલર એસોસિએશનના પ્રમુખ ટીનાભાઈનું કહેવું છે.

ઓનલાઈન મટિરિયલ થકી શિક્ષકોને ભણાવવાની સૂચના 

સીબીએસઈ સ્કૂલના આચાર્ય લીના નાયરનું કહેવું છે કે, સેન્ટ્રલ બોર્ડ દ્વારા નવા અભ્યાસક્રમનો ડ્રાફટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે અને જ્યાં સુધી પાઠય પુસ્તકો ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી શિક્ષકો આ ડ્રાફટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ભણાવી શકશે.પાઠય પુસ્તકોની સમસ્યા માત્ર ધો.૯ પૂરતી જ છે અને બાકીના ધોરણોમાં પાઠય પુસ્તકો ઉપલબ્ધ છે.