આણંદ જિલ્લાની 6 પાલિકામાં સાયરન લગાવીને ટેસ્ટિંગ કરાયું
- અપાતકાલિન પરિસ્થિતિમાં લોકોને સાવચેત કરવા માટે
- તંત્ર પાસે સાયરનની વ્યવસ્થા ન હોવાથી હંગામી ધોરણે સુરેન્દ્રનગરથી મંગાવાયા, બાકીના પાલિકામાં પણ લગાવાશે
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ જ થતાં પાકિસ્તાનની બોર્ડર પર આવેલા ગામોમાં લોકોને એલર્ટ કરવા માટે સાયરન લગાવવામાં આવી હતી. જો કે યુદ્ધ વિરામ જાહેર થઇ ગયું છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં આવી સ્થિતી સર્જાય તો અચાનક હુમલો થાય ત્યારે લોકોને સાવચેત કરી શકાય તે માટે આણંદ જિલ્લાની ૯માંથી ૬ નગરપાલિકામાં સોમવારે સાયરન લગાવવાનો આદેશ કરાતાં સુરેન્દ્રનગરથી તાત્કાલિક સાયરન મંગાવ્યા બાદ આણંદ જિલ્લાની પેટલાદ, બોરસદ, આંકલાવ, ઓડ , બોરીઆવી, સોજિત્રા નગરપાલિકા સોમવારે સાંજ સુધીમાં સાયરન લગાવવાની કામગીરી હાથ ધર્યા બાદ તેનું ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યું હતું.
આ અંગે અધિક કલેક્ટર તુરાજ દેસાઇ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશથી ભવિષ્યમાં યુદ્ધ જેવી કોઇ પરિસ્થિતીનું નિર્માણ થાય ત્યારે તાત્કાલિક લોકોને સાવચેત કરી શકાય તે માટે હાલ જિલ્લાની ૬ નગરપાલિકાઓમાં સાયરન લગાવવામાં આવી છે. બાકી રહેલ નગરપાલિકાઓમાં ટુંક સમયમાં લગાવવામાં આવશે.