આતંકીઓ સ્મિતની નજીક આવ્યા, ક્ષણભર વાત કરી ગોળીઓ ધરબી દીધી : પ્રત્યક્ષદર્શી સાર્થક
આતંકી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્રના કુટુંબીજને જણાવી આપવિતી
ફાયરિંગથી અજાણ હોવાથી પહેલાં ફટાકડા ફૂટવા જેવો અવાજ સંભળાયો, બાદમા આંતકી હુમલાની જાણ થઈ ત્યાં સુધીમાં ભત્રીજાએ ફૂવા, ભાઈને ગુમાવી દિધા
જમ્મુ કશ્મીરના પહલગામમાં ગત મંગળવારના રોજ થયેલાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના યતિનભાઈ પરમાર અને પુત્ર સ્મિતના પાર્થિવ દેહને પુષ્પાંજલિ આપવા આવેલાં મુખ્યમંત્રી હતભાગી પરિવારને મળ્યા હતા. જયાં આતંકી હુમલાને પ્રત્યક્ષ નિહાળનાર સદ્ગત યતિનભાઈના ભત્રીજા સાર્થક પરમારે આપવિતી જણાવતાં ઉમેર્યું કે, તેઓ, તેમના ફૈબા કાજલબેન, ફૂવા યતીનભાઈ અને ભાઈ સ્મિત સહિતના ગુ્રપમાં ૧૨ લોકો ઘોડા ઉપર પહડા ચડયાં ત્યાં ટિકિટ લઈને અંદર ગયા હતા. જયાં ભાઈ સ્મિતને ફોટાનો શોખ હોય, જેથી તેઓ ફોટા પાડી રહ્યા હતા. આ સમયે બે ગોળી ફૂટવાનો અવાજ આવ્યો પરંતુ ફટાકડા ફૂટતા હશે તેવો આભાસ થયો ત્યાં થોડી જ ક્ષણોમાં આતંકવાદીઓએ નજીક આવી અંધાધૂંધ ગોળીઓ મારવાનું શરૂ કરતા ફૂવા યતીનભાઈ ઢળી પડયા હતા જો કે, થોડી જ ક્ષણોમાં આતંકી હુમલો થયાની જાણ થતાં તમામ જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા. જો કે, આ સમયે જ ગોળી લાગવાના કારણે ફૂવાનું સ્થળ પર મૃત્યુ થયું હતું. જ્યારે ભાઈ સ્મિત જયાં ઉભો હતો ત્યાં આતંકીઓ તેમની પાસે આવી ચડયા હતા અને તેની સાથે થોડી ક્ષણો માટે વાતચીત કરી હતી. પછી તુરંત જ તેના પર પણ ગોળીબાર કરી ગોળીઓ ધરબી દિધી હતી. જ્યારે મૃતક યતિનભાઈના ભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ભાભી કાજલબેનને જીવ બચાવવા માટે ભત્રીજો સાર્થક જ તેમને ત્રણ-ચાર કિ.મી.ખેંચીને સુરક્ષિત સ્થળે લઈ ગયો હતો.
હુમલાના પગલે સાર્થક હિંમત કરી ફૈબાને અંદાજે ચારેક કિં.મી. સુધી ખેંચીને સુરક્ષિત સ્થળે લઈ ગયો
મે આતંકી જેવા શકમંદને નિહાળ્યો હતોઃ સાર્થકે મુખ્યમંત્રીને આપવિતી વર્ણવી
હતભાગી પિતા-પુત્રના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરવા આવેલાં રાજ્યના મુખ્યમંત્રીને આતંકી હુમલાના પ્રત્યક્ષદર્શી સાર્થકે આપવિતી જણાવી હતી. આ તકે, સાર્થકેે પોતાના મોબાઈલમાં આવેલાં આતંકીઓના જાહેર થયેલાં સ્કેચ અંગે ચર્ચા કરી હતી. તેણે મુખ્યમંત્રીને જણાવ્યું કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલાં આંતકીઓના સ્કેચમાં દેખાતા એક દાઢીવાળા શખ્સ જેવા જ હુબહુ શખ્સને તેણે અત્યંત નજીકથી નિહાળ્યો હતો. જો કે, ક્ષણોમાં બન્ને એકબીજાથી દૂર થઈ જતાં તે શખ્સ આ જ આતંકી છ ેકે કેમ? તેની પુષ્ટી કરી શક્યો ન હોવાનું જણાવ્યું હતું. જો કે, તેણે આ વિગતો શ્રીનગર પોલીસ સ્ટેશને સબંધિત પોલીસને પણ જણાવી હોવાનું કહ્યું હતું. ઉપરાંત, ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરના ફરવાલાયક સ્થળોેએ બબંદોબસ્ત ગોઠવવા માંગ કરી હતી.