ધ્રાંગધ્રામાં રખડતા શ્વાનનો આતંક : 5 ને બચકા ભર્યા
- શ્વાનને ઝડપી વગડા વિસ્તારમાં છોડી મુકવા માંગ
- મહિલાઓ સહિત તમામ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રખડતા શ્વાને પાંચ વ્યક્તિઓને બચકા ભરતા તમામને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રખડતા શ્વાનને ઝડપી લેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને મહિલા સહિત રાહદારીઓ અને સ્થાનિકો સહિત અંદાજે પાંચ વ્યક્તિઓને બચકા ભર્યા હતા. આ તમામ પાંચેય વ્યક્તિઓને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા પણ શ્વાન દ્વારા વાહન લઈને પસાર થતાં ચાલકો પાછળ છોડી બચકા ભર્યા હતા. ત્યારે વધુ એક વખત પાંચ વ્યક્તિને બચકા ભરવામાં આવતાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી. રખડતા શ્વાનને ઝડપી પાડી દુર વગડા વિસ્તારમાં છોડી દેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.