Gujarat

માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક

By GS TEAM
4 Dec 20252 mins read
માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક

- બેફામ દોડતા વાહનોથી ઉડતી ધૂળની રહિશો પરેશાન

- ધૂળને કારણે શ્વાસ સંબંધિત તકલીફોના અનેક કિસ્સા સામે આવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ 

નડિયાદ : માતર તાલુકામાં વસ્તાણાથી લીંબાસી તરફના માર્ગ પર સ્થાનિક રહિશો માટે બેફામ દોડતા ડમ્પરો ગંભીર સમસ્યા બની ગયા છે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલી માટીની હેરફેર કરતા ડમ્પરોની બેકાબૂ ગતિને કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઊડે છે, જેથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક રહિશોના આક્ષેપ અનુસાર, ગેરકાયદેસર માટી ખોદકામ કરીને તેની હેરફેર કરવામાં આવી રહી છે. આ ડમ્પરો દ્વારા માટી ઢાંકવા માટે કોઈ પણ જાતનું સેફ્ટી નેટ વાપરવામાં આવતું નથી કે રોડ પર પાણી છાંટવામાં આવતું નથી, જે નિયમોનો ખુલ્લો ભંગ છે. આ બેદરકારીના કારણે ઊડતી ધૂળની ડમરીઓથી વાતાવરણ પ્રદૂષિત થાય છે અને લોકોને શ્વસન સંબંધી તકલીફો થવા લાગી છે. આ ડમ્પરોની બેફામ અવર-જવરના કારણે રોડને પણ ભારે નુકસાન થયું છે, જેને કારણે વાહનવ્યવહાર ખૂબ જ કષ્ટદાયક બન્યો છે. 

આ રોડના સમારકામ માટેનું બજેટ છેલ્લા ૩ મહિનાથી પાસ થઈ ગયું હોવા છતાં, તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. રોડનું કામ અટવાઈ પડતાં અને બીજી તરફ ડમ્પરોનો ત્રાસ વધતાં રહિશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોએ માતર તાલુકાના મામલતદાર અને ખાન-ખનીજ વિભાગના અધિકારીઓ સહિતના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, અધિકારીઓ દ્વારા જ આ ડમ્પર ચાલકોને બેફામ રીતે ખનન કરવાની અને નિયમો તોડવાની છૂટ આપવામાં આવી હોય, તેવું લાગી રહ્યું છે. આ અંગે સંબંધિત તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવે અને જાહેર માર્ગો પર નિયમોનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે, તેવી માંગણી ઉઠી છે.