મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી : પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

મણી મંદિર વિસ્તારમાં 300 લોકોના ટોળાની ધમાલ
પોલીસના ધાડા ઉતારીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો, સઘન પેટ્રોલિંગ શરૂ, સાવચેતી માટે તાબડતોબ મુખ્ય બજારો બંધ કરાવાઈ
જેને પગલે અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો. 300 જેટલા યુવાનોના ટોળાએ ધમાલ મચાવીને પોલીસ સ્ટેશનને ઘેરાવ કરવા સાથે પથ્થરમારો કર્યો હતો. પરિણામે પોલીસના ધાડા ઉતારીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સઘન પેટ્રોલિંગ શરૂ કરવા સાથે સાવચેતી માટે તાબડતોબ મુખ્ય બજારો બંધ કરાવાઈ હતી.
મોરબીના ઐતિહાસિક મણીમંદિરની બાજુમાં દરગાહ બનાવવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામ હોવાથી નગરપાલિકા તંત્રએ દબાણ દુર કરવા માટે જાન્યુઆરી 2022માં નોટિસ ફટકારી હતી. જોકે ત્યારબાદ પણ દબાણો દુર કરવામાં આવ્યા નહોતા. તે ઉપરાંત વર્ષ-2022ના સપ્ટેમ્બર માસમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા અહીં ગેરકાયદેસર દબાણ મામલે જવાબદાર લોકો સામે સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ મામલે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આખરે બપોરે પોલીસના ધાડા ઉતારીને ડિમોલિશન સ્થળે ચકલું'ય ના ફરકી શકે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હતો. આ સાથે 10 જેસીબીની મદદથી દબાણ તોડી પાડયા બાદ ૨૫ જેટલા ડમ્પર કામે લગાડીને ગણતરીના કલાકોમાં જ દબાણ દૂર કરી કાટમાળનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જોકે ડિમોલિશનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ટોળેટોળા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા. એ-ડિવિઝન પોલીસ મથકને ઘેરી લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ડિમોલિશન પૂર્ણ થયા બાદ શહેરમાં અને અન્ય સ્થળોએ ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
ગેસ્ટ હાઉસ રોડ, તખ્તસિંહજી રોડ અને એ-ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ સ્ટેશનનું બોર્ડ તૂટી ગયું હતું. જેથી પોલીસે તોફાની ટોળાને વિખેરીને તમામ સ્થળોએ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાથે તકેદારી માટે પરાબજાર, નગર દરવાજા ચોક, સોની બજાર, ગ્રીન ચોક, સાવસર પ્લોટ સહિત મુખ્ય બજારો તાકીદે બંધ કરાવી હતી અને સઘન પેટ્રોલિંગ શરુ કરી દીધું હતું.
- પાંચ ડીવાયએસપી સહિત 750 પોલીસનો બંદોબસ્ત
મેગા ડીમોલીશનને કારણે શહેરમાં અશાંતિ ના સર્જાય તેવા હેતુથી મોરબી જિલ્લાના 600 પોલીસ કર્મચારી તેમજ 150 બહારના પોલીસ કર્મચારીનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. પાંચ ડીવાયએસપી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. ડિમોલિશન કામગીરીમાં 10 જેસીબી, 2 હિતાચી, 25 ડમ્પર સહિતના સાધનો વડે ત્રણ કલાક બાદ દબાણ દુર કરવામાં આવ્યું હતું અને 3500 ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી હતી.

