વડોદરા,શહેરના અતિ સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાન પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દેવામાં આવતા તે ઢળી પડયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર હોઈ ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના અતિ સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં મોડીરાતે ખૂની હુમલો થતાં તંગદિલી ફેલાઈ હતી. વિશાલ કહાર નામના યુવકને પાણીગેટ દરવાજા પાસે મોહમ્મદ સૈયદ, ઉંં.વ.૩૦ (રહે.પાણીગેટ) વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી.જોતજોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૃપ લઈ લેતા મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો. ઉશ્કેરાયેલા વિશાલ કહારે છરીના ઉપરા છાપરી ઘા મોહમ્મદ સૈયદ પર ઝીંકી દીધા હતા. લોહીના ખાબોચિયા વચ્ચે ઈજાગ્રસ્ત ઢળી પડયો હતો. જ્યારે હુમલાખોર વિશાલ ફરાર થઈ ગયો હતો. ખૂની હુમલાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. બનાવની જાણ થતા જ પાણીગેટ ,સિટિ અને વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ડીસીપી અભિષેક ગુપ્તા, એસીપી જી.ડી.પલસાણા પણ દોડી આવ્યા હતા. જ્યારે બીજી તરફ હુમલો કરીને ફરાર થઈ ગયેલા આરોપી વિશાલ કહારને પકડવા માટે પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી દોડધામ શરૃ કરી દીધી છે. હુમલાના પડઘા અને વિસ્તારમાં ના પડે તે માટે પોલીસે તરત જ પેટ્રોલિંગ શરૃ કરી દીધું હતું. ઈજાગ્રસ્ત ને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા ત્યાં પણ લોકોના ટોળેટોળા ઉટી પડયા હતા હોસ્પિટલમાં કોઈ હજુ તો બનાવ ન બને તે માટે એસીપી પણ સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.


