Gujarat

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી

By GS TEAM
18 Apr 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક હિન્દુ યુવાનની હત્યાની ઘટના બાદ બે કોમ સામ સામે આવી જતાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ બનેલી કિશન ભરવાડની હત્યાના કિસ્સા બાદ આ બીજી એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ધંધુકામાં બે બાઈકચાલકો વચ્ચે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી, જે ઉગ્ર બની હતી. આ દરમિયાન રિઝવાન નામના યુવકે ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરી. આ ઘટનાને પગલે બે કોમના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. ટોળાઓએ રસ્તે ઉતરીને દુકાનો અને વાહનોને આગ ચાંપી હતી. જોકે, ઘટના બાદ તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. મળતી માહિતી અનુસાર, પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 25 લોકોની અટકાયત કરવામાં આવી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરમાં લારીઓ અને દુકાનો બંધ કરાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી

Dhandhuka News: અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને પગલે એક હિન્દુ યુવકની છરીના ઘા ઝીંકી કરણપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ બનેલી કિશન ભરવાડની હત્યાના કિસ્સા બાદ આ બીજી એવી ઘટના છે જેના કારણે સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ધંધુકામાં બે બાઈકચાલકો વચ્ચે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી, જે ઉગ્ર બની હતી. આ દરમિયાન રિઝવાન નામના યુવકે ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરી.

આ ઘટનાને પગલે બે કોમના લોકો સામસામે આવી જતાં પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. ટોળાઓએ રસ્તે ઉતરીને દુકાનો અને વાહનોને આગ ચાંપી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરાયો છે. મળતી માહિતી અનુસાર, પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 25 લોકોની અટકાયત કરવામાં આવી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરમાં લારીઓ અને દુકાનો બંધ કરાવવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં કરી આગચંપી

હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદમાં હિંસક વળાંકમાં ફેરવાયું હતું. ધંધુકાના પાળીયાદ રોડ અને મુખ્ય સર્કલ પાસે ઉશ્કેરાયેલા ટોળાઓ દ્વારા વાહનો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ભારેલા અગ્નિ જેવો માહોલ નિર્માણ પામ્યો હતો. અચાનક ફાટી નીકળેલી આ હિંસાને કારણે સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા અને લોકોમાં ભય તથા અસુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ સુરક્ષાના ભાગરૂપે પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.


ધંધુકામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો, મુખ્ય આરોપીની ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધંધુકા પહોંચી ગયો હતો. રેન્જ IG, SP, અમદાવાદ ગ્રામ્ય એસપી, ધંધુકા DySP, પોલીસ કર્મીઓ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.


અમદાવાદ એસપી (SP) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.


આસપાસના શહેરોમાંથી ફાયર વિભાગની ટીમો બોલાવાઈ

કેટલીક દુકાનોમાં પણ આગચંપી કરવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે બાવળા, બગોદરા, ધોળકા અને ધોલેરામાંથી ફાયર વિભાગની ટીમો બોલાવવામાં આવી છે.

મૃતક યુવકની તસવીર




હાલ સ્થિતિ કાબૂમાં, શાંતિની કરાઈ અપીલ

સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને સંયમ રાખવા અને શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ એક દુ:ખદ ઘટના છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૌએ સમજદારી દાખવવી જોઈએ.

પોલીસે શું કહ્યું?

મામલાની ગંભીરતાને જોતાં SP હોસ્પિટલ પહોંચ્યા હતા, મૃતકના પરિવાર અને સંબંધીઓ તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી કહ્યું હતું કે, 'બાઈકની ઓવરટેક બાબતે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. યુવકને પગમાં છરી વાગી હતી જેથી તેનું મોત થયું છે. આગેવાનોના તમામ મુદ્દાઓ અમે સાંભળ્યા છે. અમે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઘરમાં ઘૂસીને જવાબદારોને પકડવાની અમારી કોમ્બિંગ ચાલુ રહેશે. આની પાછળ જે પણ કોઈ લોકો છે તેના સુધી પહોંચી કડક એક્શન લેવામાં આવશે. હાલ સમગ્ર શહેરમાં શાંતિનો માહોલ છે, અને શાંતિ જળવાઈ રહે તે માટે અમે અપીલ પણ કરીએ છીએ.આરોપીને પકડી લેવામાં આવ્યો છે આગળની કાયદાકીય પ્રક્રિયા હાલ ચાલુ છે.'

આ પણ વાંચો: ધમધોખતા તાપ વચ્ચે ત્રણ દિવસ રાજ્યના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી

હાલમાં ધંધુકામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે પોલીસના નિયંત્રણ હેઠળ છે, છતાં તંગદિલીને ધ્યાનમાં રાખીને વધારાની ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને શહેરની શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સહકાર આપે.