Get The App

ખાતર પર દીવેલ: અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા રૂ. 9.31 કરોડનું ટેન્ડર બહાર પડાયું

Updated: May 1st, 2025

GS TEAM

Google News
Google News
ખાતર પર દીવેલ: અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા રૂ. 9.31 કરોડનું ટેન્ડર બહાર પડાયું 1 - image

Hatkeshwar Bridge News : અમદાવાદમાં હાટકેશ્વર પુલ વિવાદનું ઘર બન્યો છે. ભાજપના ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓની ભ્રષ્ટ નીતિનો અમદાવાદીઓ ભોગ બની રહ્યાં છે. વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા 40 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી પાડવા માટે 9.31 કરોડ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેથી ખાતર પર દીવેલ જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે અમદાવાદીઓને પડેલી હાલાકી, કરોડો રૂપિયાનો માનવશ્રમ અને સરકારી મશીનરીનો વ્યય એ બધાની તો કોઇ ગણતરી જ કરતું નથી.

બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ

બ્રિજ પર પડેલા ગાબડાંના લીધે જોખમી સ્થિતિ સર્જાતાં આ બ્રિજ વાહન વ્યવહાર માટે ત્રણ વર્ષથી બંધ કરાયો છે. હાલ આ બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. બ્રિજ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો એકત્ર કરવાની લારીઓના ઢગલા પણ કરાયા છે. 

હાટકેશ્વર બ્રિજ વિવાદ સાથે જોડાયેલા તથ્ય

1. બ્રિજનું બાંધકામ નવેમ્બર-2017માં પુરુ કરાયુ. નવેમ્બર-2018માં ડીફેકટ લાયાબીલીટી પીરીયડ પુરો થઈ ગયો.

2. વર્ષ-2017માં બ્રિજ વપરાશ માટે ખુલ્લો મુકાયો.ચાર વર્ષથી ઓછા સમયમાં મુખ્ય ઓબલીગેટરી સ્પાનમાં પાંચ એપ્રિલ-2021ના રોજ  પ્રથમવાર ડેક સ્લેબમાં સેટલમેન્ટ થયું.જેને માઈક્રો કોંક્રીટથી રીપેર કરવામાં આવ્યુ.

3. વર્ષ-2021 તથા 2022માં ચાર વખત ઓબલીગેટરી સ્પાનમાં ડેક સેટલમેન્ટ થવા પામ્યુ હતું.જેનુ સ્થાનિક કન્સલ્ટન્ટની સલાહ મુજબ  માઈક્રો કોંક્રીટ અને એડીશનલ સ્ટીલ સાથે રીપેરીંગ કરવામાં આવ્યુ હતું.

4. 19 ઓગસ્ટ-2022માં બીજા બોકસમાં સેટલમેન્ટ થતા સંપૂર્ણ બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યા બાદ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.

5. પાંચ ફેબ્રુઆરી-2023ના રોજ આઈ.આઈ.ટી. રુડકીના તજજ્ઞા દ્વારા બ્રિજની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી.બાદમાં આપવામા આવેલા રીપોર્ટમાં કોંક્રીટની ગુણવત્તા નબળી હોવાનુ કહેવામાં આવ્યુ હતું.

પેનલ રીપોર્ટ મુજબ બ્રિજનું આયુષ્ય સો વર્ષનું

13 એપ્રિલ-2023ના રોજ તજજ્ઞા પેનલે આપેલા રિપોર્ટમાં કહ્યા મુજબ, આઈ આર સી પાંચ મુજબ બ્રિજનું આયુષ્ય સો વર્ષ નિર્ધારીત કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઇ ગયો છે. આ કારણથી કોન્ટ્રાકટર ટેન્ડર મુજબ એક વર્ષનો ડિફેકટ લાયાબિલિટી પીરિયડ પૂરો થયો હોવાનુ ગણાવી છટકવાનો પ્રયાસ કરે છે જે તાંત્રિક રીતે અયોગ્ય છે.