Get The App

જામનગરમાં ભાડુઆતે મકાન માલિકના ઘરમાં કર્યો હાથફેરો, અઢી લાખની રકમ ઉઠાવી જઇ રફુ ચક્કર થઈ જતાં પોલીસ ફરિયાદ

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ભાડુઆતે મકાન માલિકના ઘરમાં કર્યો હાથફેરો, અઢી લાખની રકમ ઉઠાવી જઇ રફુ ચક્કર થઈ જતાં પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar : જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા એક મકાન માલિકના ઘરમાં તેનો જ ભાડુઆત ધોળે દિવસે મકાનમાં ઘૂશી આવ્યો હતો અને સ્ટીલના ડબ્બામાં રાખેલી રૂપિયા અઢી લાખની રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયો હતો, જેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પર પ્રાંતીય શખ્સને શોધી રહ્યો છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવડ ગામના વતની અને હાલ મોટી ખાવડી વિસ્તારમાં રહેતા પ્રકાશસિંહ બેશુભા ગોહિલ કે જેઓનું મકાન મોટી ખાવડી વિસ્તારમાં આવેલું છે. તેમણે પોતાના મકાનમાં જ એક રૂમ પરપ્રાંતિય એવા બિહાર રાજ્યના મનોજકુમાર જગરનાથ મહંતોને ભાડેથી આપ્યો હતો અને ઉપરોક્ત શ્રમિક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો, અને ભાડાના રૂમમાં રહેતો હતો.

 તેણે મકાન માલિક પ્રકાશસિંહના ઘરની રેકી કરી લીધી હતી અને તેને ધ્યાનમાં આવ્યું હતું, કે મકાન માલિકે સ્ટીલના ડબ્બામાં રોકડ રકમ રાખી છે. જેથી ગત 1લી તારીખે મોકો ગોતીને બપોરે દોઢ વાગ્યાથી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન અંદર ઘૂસી ગયો હતો, અને સ્ટીલનો ડબ્બો ઉઠાવીને પોતાના રૂમમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેમાં રાખેલી રૂપિયા અઢી લાખની રોકડ રકમ લઈને પોતે ભાગી છૂટ્યો છે.

 મકાન માલિકને ઉપરોકત ચોરી અંગેનું ધ્યાનમાં આવતાં તેણે તરત જ મેઘપર પડાણા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ઘરમાં રાખેલા અઢી લાખ રૂપિયાની રોકડ ભરેલા સ્ટીલના ડબ્બાની ઉઠાંતરી કરી પોતાના ભાડાના રૂમમાં લઈ જઈ રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. 

Tags :