તાલાળા મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ
રાશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવા માટે પણ લેવામાં આવતી લાંચ, લોકોને કામ કેમ કરાવવા એ સવાલ
આ અંગેની વધુ વિગત મુજબ તાલાળા તાલુકામાં રહેતા એક જાગૃત નાગરિકને પોતાના રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાનું હતું. તેણે મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરતા પુરવઠા શાખાના કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્ર ઉર્ફે મયુર વાસા પટાટ વતી પિખોરના અલ્પેશ ઈશ્વરદાસ દુધરેજીયા અને સેમડીયા ગામના સંજય ભૂપત વાજાએ ૧ર૦૦ રૂપીયાની લાંચ માંગી હતી અને આ રકમ હંગામી ઓપરેટર મહેન્દ્ર ઉર્ફે મયુર પટાટને આપી દેવા જણાવ્યું હતું. જાગૃત નાગરિક પૈસા આપવા માંગતા ન હતા. તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો જેના આધારે જૂનાગઢ એસીબી પીઆઈ જે.બી કરમુર સહિતના સ્ટાફે આજે તાલાળા મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં વોચ ગોઠવી હતી. આ દરમ્યાન જાગૃત નાગરિકે વચેટીયાઓ અને હંગામી ઓપરેટર સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. જેમાં બંને વચેટીયાઓએ લાંચની ૧ર૦૦ રૂપીયાની રકમ ઓપરેટર મહેન્દ્ર ઉર્ફે મયુર પટાટને આપી દેવા જણાવતા જાગૃત નાગરિકે તેને ૧ર૦૦ રૂપીયા આપ્યા હતા. રકમ આપતા જ એસીબીએ ઓપરેટર મહેન્દ્ર ઉર્ફે મયુર વાસા પટાટ (ઉ.વ.૪૦)ને રંગેહાથ લાંચ લેતા પકડી લીધો હતો. જ્યારે અલ્પેશ દુધરેજીયા અને સંજય વાજાને મદદગારી બદલ પકડવામાં આવ્યા હતા.
તાલાળા મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં એસીબીના છટકાથી ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સામાન્ય લોકોને ઈ-કેવાયસી કરવા માટે પણ લાંચ આપવી પડી રહી છે. સરકાર દ્વારા નવા-નવા નિયમો અમલમાં મુકે છે પરંતુ એ મુજબનું સામાન્ય વ્યક્તિને જ્ઞાાન હોતું નથી જેનો આવા લોકો લાભ લઈ લાંચ લઈ રહ્યા છે.


