વડોદરાની મંગળ બજાર, સમા, અભિલાષા ચોકડીના હંગામી દબાણોનો સફાયો : બે ટ્રક જેટલો માલ સામાન કબજે
Vadodara Corporation : વડોદરા શહેરમાં કાયમી ધોરણે માથાના દુખાવા રૂપ બનેલા મંગળ બજાર લહેરીપુરાના લારી ગલ્લા પથારાના દબાણો સહિત દુકાનદારોના લટકણીયાથી રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે વાહન ચાલકોની તો વાત જ થઈ શકે એવી નથી. દરમિયાન પાલિકા દબાણ શાખાની ટીમે આજે મંગળ બજાર વિસ્તારના હંગામી દબાણો લારી ગલ્લા પથારા વાળાને વિસ્તારમાંથી તગેડી મૂક્યા હતા. આ ઉપરાંત ઠેર-ઠેર દુકાનદારોના લટકતા દુકાનો બહારના લટકણીયા તથા કેટલાક પથારાવાળાનો મળીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. વોર્ડ 1માં પાલિકા તંત્રની આ કાર્યવાહી દરમિયાન કેટલાય પથારાવાળા અને દુકાનદારોને દબાણ શાખાની ટીમ સાથે રીતસર બોલાચાલી અને ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા પરંતુ તૈનાત પોલીસ કાફલાએ મામલો સંભાળી લેતા તંત્રની કામગીરી સરળ થઈ હતી.
ત્યારબાદ દબાણ શાખાની ટીમ શહેરના ઉત્તર વિસ્તારમાં વોર્ડ નં.2માં પહોંચી હતી. સમા વિસ્તારના અભિલાષા ચોકડીથી વિસ્તારના પૃથ્વી સર્કલ સુધીના હંગામી લારી ગલ્લા ખાણીપીણી-ચા પાણીની રેકડીઓ, કેરી તથા તરબૂચ શક્કરટેટીના તંબુ અને શેરડીના કોલાના શેડ પાલિકાની દબાણ શાખાએ તોડી નાખ્યા હતા જ્યારે હંગામી દબાણોનો સફાયો કરીને દબાણ શાખાની ટીમે વધુ એક ટ્રક માલ સામાન કબ્જે કર્યો હતો.