જીએસએફસી કંપનીના હંગામી કર્મચારીઓનો પગાર મુદ્દે લેબર કમિશનર કચેરી ખાતે દેખાવો
image : Freepic
Vadodara : જીએસએફસી કંપનીના કોન્ટ્રાક્ટના 120 જેટલા હંગામી કર્મીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. જેથી તમામ કર્મીઓ એકત્ર થઈને રજૂઆત કરવા લેબર કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ભારે સૂત્રોચાર સાથે અમે અમારો હક માંગીએ છીએ, નથી કોઈની ભીખ માંગતા જેવો ભારે સૂત્રોચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જીએસએફસીમાં હંગામી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ કર્મીઓ તરીકે નોકરીએ લેવાયા હતા. જેમાં મોટાભાગના કર્મીઓ દશરથ ગામના હતા. ગયા ફેબ્રુઆરી મહિનાથી તમામ 120 કર્મીઓને પગાર આપવામાં આવ્યો નથી. કેટલા યુનિટો બંધ થયા હોવાનું જીએસએફસી તંત્ર દ્વારા જણાવાઇ રહ્યું છે. જોકે લેબર કમિશનર કચેરીએ અગાઉ પણ પગાર બાબતે રજૂઆતો કરી હતી. જીએસએફસીમાં વર્ષોથી નોકરી કરીએ છીએ અને અત્યાર સુધી પગાર મળતો હતો હવે છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. મોટાભાગના હંગામી કર્મીઓ દશરથ ગામના છે અને તેથી તેમને હેરાન કરાતા હોવાનો આક્ષેપ કરાયો છે. કંપની તંત્ર દ્વારા પગાર મળતો નથી તો ઘર કેવી રીતે ચાલે એવા પણ સવાલો હંગામી કર્મીઓએ કર્યા હતા. હંગામી કર્મીઓએ લેબર કમિશનર કચેરીએ જઈ પહોંચીને અમે અમારો હક માંગીએ છીએ કોઈ ભીખ માંગતા નથી. સહિત અમે હિન્દુસ્તાની નાગરિકો છીએ તેવા ભારે સૂત્રોચાર સાથે વાતાવરણ ગજવ્યું હતું.