વડોદરા,તરસાલી બ્રિજ પાસેથી એલ.સી.બી.ની ટીમે ૨૧.૩૦ લાખનો વિદેશી દારૃ ભરેલો ટેમ્પો ઝડપી પાડયો હતો. જ્યારે દારૃ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.
ડીસીપી ઝોન - ૩ એલ.સી.બી.ની ટીમને માહિતી મળી હતી કે, એક આયશર ટેમ્પોમાં બટાકાની આડમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને કપુરાઇ ચોકડીથી તરસાલી બ્રિજ થઇ પસાર થવાનો છે. જેથી, ડી.સી.પી. અભિષેક ગુપ્તાની સૂચના મુજબ, સ્ટાફે તરસાલી બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. પોલીસે એક શંકાસ્પદ ટેમ્પાનો ઊભો રખાવ્યો હતો. ટેમ્પામાંથી ડ્રાઇવરને નીચે ઉતારી પૂછતા તેણે પોતાનું નામ મુકેશ શક્તિસિંગ ઓડ (રહે. નેવરીયા વસાહત, તા.કાલોલ,જિ. પંચમહાલ, મૂળ રહે. મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા વિદેશી દારૃની ૧૦,૦૮૬ બોટલ કિંમત રૃપિયા ૨૧.૩૦ લાખની કબજે કરી હતી. પોલીસે દારૃ, મોબાઇલ, રોકડા, બટકાની બોરી અને ટેમ્પા સહિત કુલ ૩૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે,દારૃનો જથ્થો ઉજ્જૈનના ધર્મેન્દ્રે ભરી આપ્યો હતો. વડોદરામાં કોઇ વેપારીને આપવાનો હોવાનું જણાવ્યું હતું. દરજીપુરા બ્રિજ પાસે ખટીક નામના શખ્સને દારૃ આપવાનો હતો. જેથી,પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.


