ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર

- વોન્ટેડ બુટલેગરે દારૂનો વેપલો કરવા જથ્થો મંગાવ્યો હતો
- નિલમબાગ પોલીસે વિદેશી દારૂ ટેમ્પો મળી કુલ રૂ. 3.86 લાખનો મુદ્દામાલ કબજે લીધો
નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાંગલીગેટ પાસે, નિર્મળ પ્લાઝાની પાછળ એક સફેદ કલરનો થ્રી વ્હીલ ટેમ્પા નંબર જીજે-૦૪-વી-૬૪૪૧માં ઇંગ્લીશ દારુ રાખેલ છે. આ દારૂનો જથ્થો મેહુલ ઉર્ફે જોગી (રહે.રજપુતવાડા, મફતનગર, સુભાષનગર, ભાવનગર)નો છે. તેવી હકીકત મળતા નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે ભાંગલીગેટ પાસે, નિર્મળપ્લાઝાની પાછળ જાહેર રસ્તા પર દરોડો પાડી લોડીંગ થ્રી વ્હીલ ટેમ્પાનો પાછળનો દરવાજો ખોલી તલાશી લેતા અલગ-અલગ પ્રકારની વિદેશી દારૂની બોટલ ૧૦૦૮ રૂ.૩,૨૭,૬૦૦ની મળી આવતા પોલીસે દારૂ ટેમ્પો મળી કુલ રૂ.૩,૮૭,૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મેહુલ ઉર્ફે જોગી, ટેમ્પા ચાલક અને ટેમ્પા માલિક વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








