Get The App

અડધી રાત્રે લૂંટનો ખોટો મેસેજ કરી પોલીસને હાઇવે પર દોડાવી ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોને રોકી કન્ડક્ટરને ઝાડીઓમાં ખેંચી ગયા છે

ટ્રાન્સપોર્ટના માલિકને માત્ર રૃા.૨ હજાર ખર્ચની રકમ પરત ના કરવી પડે તે માટે ટેમ્પોના ડ્રાઇવરે ખોટી માહિતી આપી

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
અડધી રાત્રે લૂંટનો ખોટો મેસેજ કરી પોલીસને હાઇવે પર દોડાવી  ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોને રોકી કન્ડક્ટરને ઝાડીઓમાં ખેંચી ગયા છે 1 - image

વડોદરા, તા.13 વરણામા હાઇવે પર ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોના કન્ડક્ટરને ઝાડીઓમાં ખેંચી ગયા હોવાના મેસેજના પગલે અડધી રાત્રે પોલીસમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે તપાસ કરતા આખરે ડ્રાઇવરે લૂંટનું તરકટ રચ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે પોલીસ કંટ્રોલરૃમમાં ગઇ રાત્રે દોઢ વાગે ફોનની રિંગ વાગી અને એક શખ્સે એવી ફરિયાદ કરી કે હું પોર અને વરણામા ગામની વચ્ચેથી આઇસર ટેમ્પો લઇને નેશનલ હાઇવે પરથી પસાર થતો હતો ત્યારે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ટેમ્પો રોકીને કન્ડકટર ભાવેશ પરમારને નજીકની ઝાડીઓમાં ખેંચી જઇ લૂંટ કરી છે. હાઇવે પર લૂંટના મેસેજના પગલે ૧૧૨ પીસીઆર વાનો તેમજ પોલીસ અધિકારીઓને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો  હતો.

ફોન કરનારને પોલીસે ભારે જહેમત બાદ વરણામા ગામની સીમમાં ખાલસા હોટલ નજીકની ઝાડીઓમાંથી શોધી કાઢ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સુરતથી ટ્રાન્સપોર્ટનો માલ લઇને રાજકોટ જતો હતો ત્યારે આ ઘટના બની હતી. બાદમાં પોલીસે કંડક્ટરની શોધખોળ કરી છતાં તેનો પત્તો લાગ્યો ન હતો જેથી વધુ તપાસ હાથ ધરી હતી અને ભરથાણા ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરા તપાસ કરતાં ટેમ્પોમાં ડ્રાઇવર એકલો જ જોવા મળ્યો હતો.

દરમિયાન પોલીસે ટેમ્પોના ડ્રાઇવર લલીતગીરી ગુલાબગીરી ગોસ્વામી (રહે.ચારણીયા, ઝાડેશ્વર મહાદેવ બાજુમાં, તા.જેતપુર, જિલ્લો રાજકોટ)ની કડકાઇથી પૂછપરછ કરતા તેણે પોલીસ કંટ્રોલરૃમમાં ખોટો મેસેજ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસને તેણે જણાવ્યું હતું કે શેઠે રૃા.૨ હજાર અંગત ખર્ચ માટે આપ્યા હતા આ રકમ પરત ના આપવી પડે તે માટે લૂંટની ખોટી ફરિયાદ આપી હતી. ટેમ્પોના ડ્રાઇવરની ખોટી વિગતો બહાર આવતા પોલીસે પણ ડ્રાઇવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.