Gujarat

અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત

By GS TEAM
10 Nov 20252 mins read
અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત

- 71 વર્ષીય રણજીતકુમાર જરીવાલાલનું સારવાર વેળા મોત : સચિન બુડિયા ચોકડી પાસે કાર ડિવાઇડર સાથે અથડાતા ગોડાદરાના યુવાનનું મોત

સુરત,:

સચિન બુડીયા ચોકડી ખાતે  બ્રિજ પર કાર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજા થતા યુવાનનું મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં અડાજણમાં  લોર્ડ ક્રિષ્ના પ્રી-સ્કૂલની સામે અજાણ્યા ટેમ્પો ચાલકે તેની સાઇડનો ખોલેલા દરવાજા સાથે બાઇક ભટકાતા ગંભીર ઇજા પામેલા વૃધ્ધનું મોત નીંપજયું હતું.

સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની અને હાલમાં ગોડાદરામાં  જીગ્નેશ નગર સોસાયટીમાં રહેતો ૩૩ વર્ષીય ગણેશ ગંભીરભાઈ બોડીયા રવિવારે રાત્રે કાર લઈને ઘરે જવા નીકળ્યા હતા.  તે સમયે સચિન બુડીયા ચોકડી પાસેના બ્રિજ પર કાર ડિવાઇડર સાથે અથડાતા અકસક્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા૧૦૮માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો  હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યાે હતો.  ગણેશને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે  ટ્રક કોન્ટ્રાક્ટરના કામ સાથે સંકળાયેલા હતા.

બીજા બનાવમાં અડાજણમાં હનીપાર્ક રોડ પર ગોવિંદ ધામ રો-હાઉસમાં રહેતા ૭૧ વર્ષીય રણજીતકુમાર કંચનલાલ જરીવાલા  ગત ૬ઠ્ઠીએ સવારે બાઇક પર કામ અર્થે જતા હતા. તે વેળાએ અડાજણમાં સરસ્વતી વિદ્યાલયની આગળ લોર્ડ ક્રિષ્ના પ્રી-સ્કૂલની નજીકમાં અજાણ્યા ટેમ્પો ચાલકે તેની સાઇડનો ખોલેલા દરવાજા સાથે બાઈક અથડાઇ હતી. જેમાં તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે રાત્રે  તેમનું  મોત નિપજ્યું હતું.  તેમને સંતાનમાં બે પુત્ર છે. તે નિવૃત જીવન ગાળતા હતા.