વાદળછાંયા વાતાવરણ વચ્ચે તાપમાન વધીને 40 ડિગ્રીને પાર, બફારા સાથે ગરમી અનુભવાઈ
- જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ન વરસતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો
- ચક્રવાતની અસર ટળતાં દરિયાકિનારે લગાવાયેલું એક નંબરનું સિગ્નલ ઉતારી લેવાયું, પવનની ઝડપના કારણે વાહનચાલકોને અંગ દઝાડતી ગરમીમાંથી રાહત મળી
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત પખવાડીયા દરમિયાન પડેલાં કમોસમી વરસાદ બાદ ગત સપ્તાહે અરબી સમુદ્રમાં સર્જાયેલાં હવાના દબાણના કારણે ચક્રવાત અને તેના આધારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે રાજ્યના હવામાન વિભાગે ગત શુક્રવારથી પાંચ દિવસ માટે ભાવનગર જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરી હતી અને પાંચ દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાં છૂટાછવાયાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આ આગાહીના પગલે એક તરફ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. તો, બીજી તરફ ફરી માવઠાંને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.સદ્દનસીબે ચક્રવાતની અસર ટળતાં ગત શનિવારે ભાવનગરનું વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું અને કયાંય વરસાદ નોંધાયો ન હતો. એ જ રીતે આજે પણ સતત બીજા દિવસે સવારથી સૂર્યદેવની વાદળો વચ્ચે સંતાકુકડી વચ્ચે ધૂંપ-છાંવ સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. એટલું જ નહીં, આજે સતત બીજા દિવસે પણ શહેર અને જિલ્લામાં કયાંય વરસાદ નોંધાયો ન હતો. તો, વરસાદ અને ભારે પવનની આગાહીને લઈ અલંગ પોર્ટ પર મુકવામાં આવેલું એક નંબરનુ સિગ્નલ પણ આજે બપોર બાદ ઉતારી લેવામાં આવ્યું હતું.
સાંજે પુરા થયેલાં ૨૪ કલાકના અંતે ભાવનગરના મહતમ તાપમાનમાં ૨.૭ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ગતરોજ શહેરનું મહતમ તાપમાન ૩૭.૯ રહ્યું હતું. જે આજે વધીને ૪૦.૬ નોંધાયું હતું.તેની સાથે ભેજની ટકાવારી ૪૯ ટકા નોંધાતાં શહેરીજનોએ બફારા સાથે બપોરના સમયે ગરમીનો અહેસાસ કર્યો હતો. જો કે, ગતરોજની સરખામણીએ પવનની ઝડપ ૨૬થી વધીને ૨૮ કિમી પ્રતિ કલાક નોંધાતાં રસ્તા પર જતાં રાહદારીઓ અને વાહનચાલકોને આકરાં તાપ અને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો ન હતો.