વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં પૂર્વ, પૂર્વોત્તરના પવનથી : રાજ્યની ઉત્તર, પૂર્વ દિશા તરફ આવેલાં રાજ્યોમાં કોલ્ડવેવ ઝાકળવર્ષાનું યલો- ઓરેન્જ એલર્ટ : ગુજરાતને ઓછી અસર
રાજકોટ, : પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસરથી ગુજરાતમાં બે દિવસ કમોસમી વાદળો છવાયેલા રહ્યા બાદ આજે પૂર્વ અને પૂર્વોત્તરના ફૂંકાતા ઠંડા પવનોના પગલે સવારના તાપમાનમાં ૨થી ૫ સે.સુધીનો ઘટાડો નોંધાયો હતો જેના પગલે રાજ્યભરમાં સવારે ઠંડીનો અનુભવ થયો હતો. જો કે રાજ્યમાં હજુ પણ કોલ્ડવેવની કે પારો ૧૦ સે.નીચે ઉતરે તેવી શક્યતા જણાવાઈ નથી.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, જુનાગઢ, કેશોદ, મહુવા સહિતના સ્થળે 4 સે.નો ઘટાડો નોંધાયો હતો અને આ સાથે દિવસનું તાપમાન કે જે બે દિવસ પહેલા 30-31 સે.ને પાર રહેતું હતું તે આજે 28-29 સે.ની નીચે રહ્યું હતું. આ સાથે પવનનું જોર પણ હોવાથી લોકોએ દિવસના પણ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.
હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ, ગુજરાતના પડોશી રાજસ્થાનમાં તા.૮,૯, દિલ્હી,હરિયાણા,પંજાબમાં તા.૬ સુધી, બિહારમાં તા. 4, 5ના કોલ્ડવેવની ચેતવણી જારી કરાઈ છે તેમજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ, ઉત્તરાખંડ, આસામ મેઘાલય સહિત પૂર્વોત્તર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાં આગામી પાંચ-છ દિવસ દરમિયાન ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ તેમજ ઉત્તરાખંડમાં ગ્રાઉન્ડ ફ્રોસ્ટની ચેતવણી પણ છે. આમ, ગુજરાતની ઉત્તર અને પૂર્વ દિશાએ આવેલા તમામ રાજ્યોમાં ધુમ્મસ અને કોલ્ડવેવની ચેતવણી છે પરંતુ, ગુજરાતમાં એક દિવસ બાદ તાપમાનમાં ફરી 2થી 3 સે.નો વધારો થવાની શક્યતા દર્શાવાઈ છે. આમ, એકંદરે રાજ્યમાં ઠંડી જોર નહીં પકડે.


