બોરસદના ઝારોલા ગામમાં વીજળી પડતા કિશોરનું મોત
- વરસાદમાં કડાકા સાથે વીજળી ત્રાટકી
- શરીરે ગંભીર દાઝી જતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી હળવા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ગઈકાલ રાત્રીથી જિલ્લામાં પુનઃ એકવાર વરસાદનું જોર વધ્યું છે. ચાલુ વર્ષે જિલ્લાના બોરસદ તથા પેટલાદ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ગઈકાલ રાત્રે જિલ્લામાં ઠેર ઠેર વરસાદી ઝાપટા વરસ્યા બાદ આજે બપોરના સુમારે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વિવિધ સ્થળોએ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા પંથકમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. દરમિયાન ઝારોલા સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં ૧૭ વર્ષીય દીક્ષિત અશ્વિનભાઈ પરમાર ગયો હતો. ત્યારે અચાનક વીજળી પડતા દીક્ષિત શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર અર્થે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જોકે, દાઝી જવાના કારણે તેનું કરુણ મોત થયું હતું. ૧૭ વર્ષીય માસુમ કિશોરનું વીજળી પડવાના કારણે મોત થતા સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.