જામનગરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા 'ટેક-ફેસ્ટ એક્સ્પો 2026'નું ભવ્ય અને યાદગાર સમાપન થયું છે. 'બ્રાસ સિટી' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત જામનગરમાં યોજાયેલા આ મેગા એક્ઝિબિશનમાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના નેજા હેઠળ પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પટેલ, ઉપ-પ્રમુખ શ્રી અતુલભાઈ કાછડીયા અને તેમની સમગ્ર ટીમે દિવસ-રાત જોયા વિના કરેલી મહેનતને કારણે આ કાર્યક્રમ સફળતાના નવા શિખરો સર કરી શક્યો છે.
265થી વધુ સ્ટોલ્સ ધરાવતા આ વિશાળ ડોમમાં સીએનસી, વીએમસી, સેમી-ઓટોમેટિક અને ફુલ્લી ઓટોમેટિક મશીનરીની સાથે-સાથે અત્યાધુનિક 'રોબોટિક આર્મ' ટેકનોલોજીનું નિદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બ્રાસપાર્ટ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા સક્ષમ આ મશીનરી જોઈને નાના-મોટા કારીગરોથી લઈને ઉદ્યોગસાહસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ટેક-ફેસ્ટની ગરિમા વધારવા માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શુભારંભ પામેલા આ એક્સ્પોમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ મુલાકાત લીધી હતી. આ તમામ નેતાઓએ સ્ટોલની મુલાકાત લઈ ઝીણવટભરી માહિતી મેળવી હતી અને જામનગરના ઉદ્યોગકારોની કોઠાસૂઝ તથા આધુનિકરણ તરફની તેમની દોટ જોઈને તેઓ અભિભૂત થયા હતા. મુલાકાત દરમિયાન નેતાઓએ જણાવ્યું હતું કે આવા આયોજનો થકી જામનગરનો બ્રાસ ઉદ્યોગ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બનશે. આ ઉપરાંત શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરોની પણ વિષેશ હાજરી જોવા મળી હતી.
સમાપન દિવસે આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, આ ટેક-ફેસ્ટમાં 1,50,000 (દોઢ લાખ)થી વધુ મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન નોંધાયું છે, જે આ એક્સ્પોની ભવ્ય સફળતાની સાબિતી આપે છે. જામનગરના પ્રબુદ્ધ ઉદ્યોગપતિઓ ઉપરાંત લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને કારોબારી સભ્યો, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, તેમજ વિવિધ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ એક્સ્પોની મુલાકાત લીધી હતી. ટેકનોલોજીના ચાહકો, ઉદ્યોગકાર મિત્રો અને ખાસ કરીને બ્રાસપાર્ટ સાથે સંકળાયેલા કારીગરો માટે આ એક્સ્પો એક જ્ઞાનયજ્ઞ સમાન બની રહ્યો. નવીનતાઓ અને સ્વપ્નદ્રષ્ટાઓ માટે નેટવર્કિંગનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડનાર આ ટેક-ફેસ્ટ જામનગરના ઔદ્યોગિક વિકાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહેશે.


