વિજયભાઈને રાજકોટમાં અશ્રુભીની અલવિદા, અંતિમયાત્રા, અગ્નિસંસ્કાર

વરસાદી માહોલમાં પૂષ્પાંજલિ માટે હજારો લોકો ઉમટી પડયા : આંખોમાં અશ્રુ વહ્યા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી, રાજ્યપાલ,મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ હાજર રહી શ્રધ્ધાસુમન અર્પણ કરી પરિવારને સાંત્વના આપી : 3 વખત હવામાં ફાયરીંગ કરીને વિધિવત્ પૂર્વ મુખ્યમંત્રીને 21 ગનથી ગાર્ડ ઓફ ઓનર : ગ્રીનલેન્ડ ચોકથી પ્રકાશ સોસા.માં પાર્થિવ દેહ લવાયો, નિવાસસ્થાનથી રામનાથપરા મુક્તિધામે અંતિમવિધિ : 6 IPS અધિકારી સહિત 1700 પોલીસમેનનો બંદોબસ્ત
રાજકોટ, : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગત તા. 12 જૂને અમદાવાદથી એરઈન્ડિયાની ફ્લાઈટ નં. 171માં લંડન જતા હતા ત્યારે વિમાન અકસ્માતમાં 241 યાત્રિકોની સાથે તેમનું કરૂણ નિધન થયું હતું. તેમની સાડા પાંચ દાયકાના જીવન-કવનના સાક્ષી એવા રાજકોટમાં આજે તેમની અંતિમ યાત્રા અને અગ્નિસંસ્કાર થયા હતા અને દેશ-રાજ્યના મહાનુભાવો સાથે રાજકોટના હજારો લોકોએ અશ્રુભીની આંખે તેમના લાડીલા નેતાને અંતિમવિદાય આપી હતી. વિજયભાઈના પાર્થિવ દેહને વિમાનમાર્ગે શહેરથી 30 કિ.મી.ના અંતરે હીરાસર લવાયો હતો અને ત્યાંથી ભાજપના અનેક નેતાઓની હાજરીમાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે બપોરે આશરે અઢી વાગ્યે લવાતા લોકોની આંખો ભીંજાઈ હતી. સ્વ. રૂપાણીના પસંદગીના ઉટીથી લવાયેલા પૂષ્પોથી શણગારેલા વાહનમાં તેમની શોકયાત્રા મુખ્યમાર્ગો પરથી પસાર થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે પહોંચી ત્યારે રસ્તામાં ઠેરઠેર લોકોએ તેમને પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ, નિતીન પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ આવી પહોંચ્યા હતા. જ્યાં મહાનુભાવોએ તેમજ રૂપાણી પરિવારના સગાસંબધીઓ, મિત્રો, શુભેચ્છકોએ તિરંગામાં લપેટાયેલ નશ્વરદેહને પૂષ્પાંજલિ આપી હતી. અમિતભાઈ શાહ વગેરેએ જેમની આંખોના અશ્રુ બનાવ બન્યો ત્યારથી સુકાયા નથી તે વિજયભાઈના પત્ની અંજલિબેન વગેરે પરિવારજનોને સાંત્વના આપી હતી.પ્રકાશ સોસાયટી પાસે મહાદેવ મંદિરમાં પોલીસ ગાર્ડ્ઝ દ્વારા 21 ગનથી હવામાં 3 વાર ફાયરીંગ કરીને સદગત પૂર્વ મુખ્યમંત્રીને સલામી આપીને કલેક્ટર,પો.કમિ. સહિત ઉચ્ચ અધિકારીઓ અને સાંસદો,ધારાસભ્યો વગેરેની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
મોડી સાંજે અંતિમયાત્રા નીકળી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાં દિગજ્જ આગેવાનો જોડાયા હતા. શોકાતૂર માહોલમાં અંતિમયાત્રા કાલાવડ રોડ, યાજ્ઞિાકરોડ સહિત મુખ્યમાર્ગો પરથી પસાર થઈને રામનાથપરા મુક્તિધામ પહોંચી હતી જ્યાં ગાર્ડ ઓફ ઓનર તથા ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. રાજકોટમાં સાંજે વરસતા વરસાદમાં લોકો પોતાના પ્રિય નેતાને શ્રધ્ધાંજલિ આપવા ઉમટયા હતા અને ચોકેચોકે વિવિધ સંસ્થાઓએ પૂષ્પાંજલિ અર્પી હતી.
આજે રાજકોટમાં, ગુરૂવારે ગાંધીનગરમાં પ્રાર્થના સભા
રાજકોટ, : આવતીકાલ મંગલવાર તા. 17ના સાંજે 3થી 6 રાજકોટના રેસકોર્સ મેદાનમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાશે. ભાજપના સૂત્રો અનુસાર આ માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા હોય પૂરતી વ્યવસ્થા,બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારબાદ તા. 19ના ગુરૂવારે ગાંધીનગરમાં સેક્ટર-17માં હેલીપેડ ગ્રાઉન્ડ, એક્ઝીબીશન સેન્ટર હોલ-1 ખાતે સવારે 9થી 12 પ્રાર્થના સભા યોજાશે. જ્યારે તા. 20ના શુક્રવારે સાંજે 4થી 6 ગાંધીનગરમાં કોબા કમલમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવા સાંજે 4થી 6 પ્રાર્થના સભા યોજાઈ છે.








