ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ વડોદરાના કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. મેચ પૂર્વે બંને ટીમો છેલ્લા બે દિવસથી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી રહી છે. જોકે, આજે ત્રીજા દિવસે ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, સ્વીપ શોટ રમતા સમયે રિષભ પંતના સ્નાયુ ખેંચાયા હતા, જેના કારણે તેઓ મેદાન પર જ ઢળી પડ્યા હતા. ઈજા થતાં જ પંતે પ્રેક્ટિસ બંધ કરી હતી અને મેદાન છોડવું પડયું હતું. આ સમયે શુભમન ગિલ, કે.એલ. રાહુલ, કોચ ગૌતમ ગંભીર સહિત અન્ય ખેલાડીઓ હાજર હતા.
ઇજાગ્રસ્ત પંતને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમની ઈજાની ગંભીરતા અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. આવતીકાલે યોજાનારી પ્રથમ વનડેમાં રિષભ પંત રમશે કે નહીંતે અંગે હાલ શંકા સર્જાઈ છે.


