Get The App

સોમનાથમાં મેદની એકત્ર કરવા માટે શિક્ષકોને ટાર્ગેટ અપાયા

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
સોમનાથમાં મેદની એકત્ર કરવા માટે શિક્ષકોને ટાર્ગેટ અપાયા 1 - image

રવિવારની રજા પણ રદ થઈ જતાં નારાજગી : શિક્ષણ, ચૂંટણી પંચની કામગીરી વચ્ચે લોકોને બસમાં લઈ જવાની જવાબદારી સોંપાતાં શિક્ષકોમાં ગણગણાટ : જૂનાગઢ તાલુકાના શિક્ષકોને ગામડામાંથી લોકોને જૂનાગઢ લાવવાના છે અને બસ સરદારબાગ કચેરી ખાતેથી ઉપડશે

જૂનાગઢ, : તા. 11ના સોમનાથ સ્વાભિમાન કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે જૂનાગઢ તાલુકાના શિક્ષકોને લોકોને બસમાં લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણ અને ચૂંટણી પંચની કામગીરી વચ્ચે આ વધારાની જવાબદારી સોંપી રવિવારની રજા પણ રદ કરી નાખવામાં આવતા આંતરિક ગણગણાટ શરૂ થયો છે.

સોમનાથમાં આયોજિત કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે તંત્ર ઊંધા માથે થઈ ગયું છે. આજથી કાર્યક્રમ શરૂ થઈ જતા એસ.ટી. બસ ફાળવી દેવામાં આવી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક રૂટ રદ થતા મુસાફરો, અપડાઉન કરતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. તા. 11ના સોમનાથમાં મેદની દેખાડવા માટે સરકારી તંત્ર ઉપરાંત જૂનાગઢ જિલ્લાના શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ તાલુકાના શિક્ષકોને ગામડામાંથી લોકોને જૂનાગઢ લાવવાના છે અને બસ સરદારબાગ કચેરી ખાતેથી ઉપડશે. શિક્ષકોને વિદ્યાર્થીઓના વાલીઓને સોમનાથ લઈ આવવા માટે દબાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરોને પણ ફરજિયાત સોમનાથ જવા કહી દેવામાં આવ્યું છે.

ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે આવી શિક્ષકોની કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યા છે. શિક્ષણ, ચૂંટણી પંચની કામગીરી અને આવા કાર્યક્રમના કારણે કામગીરી કેમ કરવી એ સવાલ ઉઠયો છે.