Get The App

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરીનું ભારણ : પુસ્તકો લાવવા અને વિતરણ કરવાની પણ જવાબદારી

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરીનું ભારણ  : પુસ્તકો લાવવા અને વિતરણ કરવાની પણ જવાબદારી 1 - image


Surat Corporation : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા સત્ર શરૂ થયું અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શિક્ષકોને ફરીથી ઈતર પ્રવૃત્તિ સાથે જોડી દેવામાં આવ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે પુસ્તકો લેવા જવું, પુસ્તકો સાથે સાથે બુટ મોજા અને ગણવેશ વિતરણ કરવા જેવી અનેક પ્રવૃત્તિનો ભાર આપી દેવામાં આવ્યો છે. જેના કારણે સત્ર શરૂ થયાના ચારેક દિવસ થયા છતાં વિદ્યાર્થીઓને શિક્ષકો અભ્યાસ કરાવી શકતા નથી. શિક્ષકોને પટાવાળા અને પટાવાળા કેટેગરીની કામગીરી કરવાની હોવાથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

સુરત શિક્ષણ સમિતિની શાળામાં વેકેશન પડે તે પહેલાં કેટલીક જર્જરિત શાળાના શિફ્ટિંગની કામગીરી હતી. આ કામગીરી માટે પાલિકાએ બેલદારની ફાળવણી કરી ન હોવાથી આ કામગીરી પણ શિક્ષકોને માથે જ આવી ગઈ હતી. સુરતની 20 જેટલી શાળા ભવનની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી નબળી હોવાથી શાળાને અન્ય શાળામાં મર્જ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, શાળા સ્વિફ્ટીંગની કામગીરી માટે વાહન અને બેલદાર પાલિકાએ ફાળવાવના હોય છે પરંતુ તે શક્ય ન હોવાથી શિક્ષકોએ જ ખાનગી મજુર બોલાવી શાળા શિફ્ટિંગ કામગીરી કરી હતી. 

જોકે, સત્ર શરૂ થયા પછી પણ શિક્ષકોની બિન શૈક્ષણિક કામગીરી પૂરી થઈ નથી પરંતુ વધુ કામગીરીનું ભારણ આવી ગયું છે. શાળા સત્ર શરૂ થઈ ગયું છે પરંતુ પુસ્તકો મળ્યા ન હોવાથી હવે શિક્ષકોએ શાળામાંથી જ્યાં પુસ્તક વિતરણ માટેનું કેન્દ્ર હોય ત્યાં જવાનું હોય છે અને ત્યાંથી પુસ્તક શાળામાં લાવાવના રહે છે. આ પુસ્તકો આવ્યા બાદ વર્ગીકરણ કરીને તેનું વિતરણ પણ શિક્ષકોએ જ કરવાનું હોય છે. આમ શિક્ષકોને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે પટાવાળા અને ક્લાર્ક જેવી કામગીરી સોંપવામાં આવી છે અને શિક્ષકો કરી રહ્યાં છે. જેના કારણે સોમવારથી શાળા સત્ર શરૂ થયું છે ચારેક દિવસ થયા છતાં હજી શિક્ષકો તેમની ઓરીજનલ કામગીરી એટલે કે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની કામગીરી શરૂ કરી શક્યા નથી. 

Tags :