સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને તહેવારની ઉજવણી અને તાલીમનું ભારણ, પરીક્ષાના કારણે સમિતિની શાળામાં અભ્યાસ નહિવત
Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોને તાલીમ અને શાળામાં ઉત્સવની ઉજવણીના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ નહિવત હોવાની ફરિયાદ સાંભળવા મળી રહી છે. ઓગસ્ટ માસ દરમિયાન વિવિધ ઉજવણી સાથે શિક્ષકોને તાલીમ અપાઈ રહી છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પર ભારણ વધી રહ્યું છે. હાલ કેટલીક શાળાઓમાં એક શિક્ષણ બેથી ત્રણ વર્ગ સંભાળી રહ્યા છે. આવી હાલતમાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટે ઓગસ્ટ મહિનો સૌથી ઓછું શિક્ષણ આપનારો મહિનો સાબિત થયો છે. ઓગસ્ટ માસના 31 દિવસ છે અને તેમાંથી 29 દિવસ પુરા થઈ ગયા છે અને તેમાં 11 દિવસ રવિવાર અને જાહેર રજાના દિવસે શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું. જેના કારણે સમિતિની શાળામાં શિક્ષણ આપવા માટે ગણીને 20 દિવસ જ બચ્યા હતા. આ ઓછું હોય તેમ શ્રાવણ મહિનાના સોમવારે શાળામાં વહેલી છુટ્ટી આપી દેવામાં આવી હતી. તો બીજી તરફ હર ઘર તિરંગા માત્ર ત્રણ તબક્કામાં શાળામાં વિવિધ પ્રવૃત્તિ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ માસમાં જ ગરીમા દિવસ સંસ્કૃત દિવસ, જન્માષ્ટમી, રક્ષાબંધન સહિત વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. આમ જ શાળામાં આવી પ્રવૃત્તિના કારણે શિક્ષણ ઓછું અપાયું હતું તેમાં શિક્ષણ સમિતિના શિક્ષકો માટે 18 થી 28 દરમિયાન શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. શાળામાં શિક્ષકોની ઘટ વચ્ચે અન્ય શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે.
આવી સ્થિતિને કારણે ઘણી શાળામાં એક શિક્ષક બે થી ત્રણ વર્ગ એક સાથે ભણાવતા હોવાનું પણ બહાર આવ્યું છે. બે થી ત્રણ વર્ગ એક સાથે શિક્ષક લે છે ત્યારે તેમને હાજરી પુરતા જ અડધો દિવસ નિકળી જાય છે અને ત્યાર બાદ અડધા દિવસમાં રીસેસને બાદ કરતા સમયમાં બેથી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે શિક્ષણની ગુણવત્તા કેવી રહી હશે તે ચર્ચાનો વિષય બન્યો છે. આમ ઓગસ્ટ મહિનામાં સુરત શિક્ષણ સમિતિની શાળામાં શૈક્ષણિક કાર્ય ઘણું ઓછું થયું છે ત્યારે હવે આગામી દિવસોમાં સત્રાંત પરીક્ષા આવી રહી છે તેમાં વિદ્યાર્થીઓનો દેખાવ કેવો રહેશે તે તો કલ્પના જ કરવી રહી.