Gujarat

વસતી ગણતરી માટે ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ ફરજ સોંપાવાની શક્યતા

By GS TEAM
10 Apr 20261 min read
વસતી ગણતરી માટે ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ ફરજ સોંપાવાની શક્યતા

વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના કારણે વસતી ગણતરીની કામગીરી હાલ પૂરતી તો ટાળી દેવામાં આવી છે પણ ચૂંટણીમાં ફરજ બજાવનારા શિક્ષકોને એ પછી વસતી ગણતરીની કામગીરી માટે તૈયાર રહેવું પડશે.

આ વખતે વસતી ગણતરી માટે સરકારી સ્કૂલોની સાથે નોન ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને પણ  ફરજ સોંપાઈ શકે છે તેવી અટકળો ડીઈઓ કચેરીના પરિપત્રના કારણે શૈક્ષણિક આલમમાં શરુ થઈ છે.ડીઈઓ કચેરીએ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોને પરિપત્ર પાઠવીને જણાવ્યું છે કે, આ કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોવાથી વધુ સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓની જરુરિયાત રહે તેમ છે.જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ માહિતી માગવામાં આવે તે માટે પૂરો સહકાર આપવો જરુરી છે.

દરમિયાન વસતી ગણતરીની કામગીરી સાથે સંકળાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ કહ્યું હતું કે, વસતી ગણતરીની કામગીરી શિક્ષણ સમિતિની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો અને કોર્પોરેશનના કર્મચારીઓ કરશે.કારણકે તેમને તેનો અનુભવ છે અને આ કામગીરી સંવેદનશીલ પણ હોય છે. આ માટે ખાનગી એટલે કે નોન ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની મદદ જરુર પડે તો જ લેવામાં આવશે.વસતી ગણતરી કોર્પોરેશનની ચૂંટણી બાદ જ શરુ કરાશે.જોકે તેની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી.દરમિયાન એક ખાનગી શાળાના આચાર્યે કહ્યું હતું કે, વસતી ગણતરી માટે વોર્ડ ઓફિસમાંથી શિક્ષકોની જાણકારી મંગાવવામાં આવી છે.