વડોદરાઃ વડોદરા શહેરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક( સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના) સ્કૂલોના ૧૦૦૦ કરતા વધારે શિક્ષકો અત્યારે મતદાર યાદી સુધારણા માટે બીએલઓ( બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી કરી રહ્યા છે અને આ કામગીરીને પ્રાથમિકતા આપવાની ચૂંટણી તંત્રે કરેલી તાકીદ બાદ ઘણા શિક્ષકોએ અને ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓમાં મોટાભાગના શિક્ષકોએ સ્કૂલોમાં જવાનું જ બંધ કરી દીધું છે.
જેના કારણે આચાર્યો પણ મૂંઝવણમાં મૂકાયા છે.વડોદરાના આચાર્ય સંઘ સાથે સંકળાયેલા એક હોદ્દેદારે કહ્યું હતું કે, આ કામગીરી લાંબી ચાલવાની છે અને શિક્ષકો સ્કૂલે આવતા નહીં હોવાથી ધો.૧૦ અને ધો.૧૨નો તો કોર્સ પૂરો નહીં થાય.કારણકે આ બંને ધોરણના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા ફેબુ્રઆરીના અંતિમ સપ્તાહથી શરુ થઈ જવાની છે.અન્ય ધોરણોના વિદ્યાર્થીઓનો પણ કોર્સ પણ પૂરો કરવામાં તકલીફ પડશે.
બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક સંઘના એક આગેવાને કહ્યું હતું કે, શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પણ શિક્ષકો અડધો જ દિવસ આવી રહ્યા હોવાથી અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે.
બીએલઓને લોકો રાત્રે અગિયાર વાગ્યે પણ ફોન કરે છે
આ કામગીરી સાથે સંકળાયેલા શિક્ષણ સમિતિની સ્કૂલના એક શિક્ષકે કહ્યું હતું કે, હજી પણ લોકોમાં મતદાર યાદી સુધારણાને લઈને જાગૃતિ નથી.ઉપરાંત બીએલઓના નંબરો પણ જાહેર કરવાના હોવાથી લોકો ગમે તે સમયે બીએલઓને ફોન કરે છે.તેનાથી બીએલઓ તરીકે કામગીરી કરતા મહિલા શિક્ષકોને તકલીફ પડી રહી છે.કેટલીક વખત શિક્ષકોને રાત્રે અગિયાર વાગ્યે પણ લોકોના ફોન આવે છે.આ એક મોટી સમસ્યા છે.
શિક્ષકો બંને કામગીરી વચ્ચે સંતુલન સાધેઃ ડીઈઓ
ડીઈઓ મહેશ પાંડેને આ બાબતે પૂછતા તેમનું કહેવું હતું કે, શિક્ષકોએ ૧૧ થી પાંચ જ નોકરી કરવાની માનસિકતામાંથી બહાર આવવું પડશે અને ભણાવવાની સાથે મતદાર યાદીની કામગીરી વચ્ચે સંતુલન સાધવું પડશે.


