Get The App

ભેટાળી ગામની શાળામાં શિક્ષકોએ સ્વ-ખર્ચે ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ સ્થાપિત કરી

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભેટાળી ગામની શાળામાં શિક્ષકોએ સ્વ-ખર્ચે ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ સ્થાપિત કરી 1 - image


સામાન્ય સરકારી શાળાના શિક્ષકોનું અસામાન્ય કામ : 15 ફૂટ ઉંચી પ્રતિકૃતિ સ્થાપિત કરી વિદ્યાર્થીઓમાં અવકાશ પ્રત્યેની જીજ્ઞાસાને જાગૃત કરવાનું કાર્ય કરી શિક્ષક દિનને ખરા અર્થમાં સાકાર કર્યો

વેરાવળ, : ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ થી 35 કિલોમીટર દૂર આવેલા ભેટાળી ગામની શાળાની, કે જ્યાં શાળાના શિક્ષકોએ રૂ 1.50 લાખના પોતાના યોગદાન થકી ચંદ્રયાન-3ની 15 ફૂટ ઊંચી પ્રતિકૃતિ સ્થાપિત કરીને ભારતીય અવકાશીય સિદ્ધિના ગુણગાન કરવા સાથે શાળાના વિદ્યાર્થીઓમાં પણ અવકાશ પ્રત્યેની જિજ્ઞાાસાને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે.

આ અંગે ભેટાળી પે-સેન્ટર શાળાના આચાર્ય અનિલભાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અમારી શાળાનું નવું જ મકાન બનાવવામાં આવ્યું હતું ત્યારે વિચાર આવ્યો કે, આ શાળાની આગળ એવું કંઈક મૂકીએ કે, જેથી અત્યારના વિદ્યાર્થીઓ સાથે ભાવી પેઢી પણ તેને યાદ રાખે.જ્યારે શાળા બનીને તૈયાર થઈ તે વખતે જ ઈસરો દ્વારા ચંદ્રયાન-૩ એ ચંદ્રની દક્ષિણ સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. ત્યારે જ વિચાર આવ્યો કે, ચંદ્રયાન-૩ની પ્રતિકૃતિ શાળાની શરૂઆતમાં જ મૂકીશું. આ વાત મેં અમારા શિક્ષક સ્ટાફ પરિવારને જણાવી તો, તેઓ પણ મારી વાત સાથે સહમત થયાં અને આ માટે જરૂરી ડિઝાઈન અને ઈન્સ્ટોલેશન માટે રૂ 1.50 લાખના યોગદાનને એકઠું કરવામાં આવ્યું. આ માટે કોઈપણ સરકારી ભંડોળનો ઉપયોગ કર્યા વગર ચંદ્રયાનની ડિઝાઈન મોકલી રાજકોટથી થોડો ભાગ તેમજ બાકીનો ભાગ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો, અને તેને ક્રેનની મદદથી શાળામાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યો. આ પ્રતિકૃતિ મૂકવા પાછળનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓ ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી અવગત થાય તે ઉપરાંત શિક્ષક, એન્જિનિયર, ડાક્ટર સિવાય પણ અસીમિત ક્ષિતિજો છે, તેનાથી જાણકાર બને તે પણ હતો. 

Tags :