બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસનારા વડોદરાના 137 શિક્ષકોને 1.59 લાખનો દંડ

વડોદરાઃ ગત ફેબુ્રઆરી- માર્ચમાં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની ઉત્તરવહીઓ તપાસવામાં ભૂલો કરનાર શિક્ષકોની સામે બોર્ડે પગલા લીધા છે.આવા શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
જેમાં વડોદરા શહેર અને જિલ્લાના ૧૩૭ શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.આ શિક્ષકોને ૧.૫૯ લાખ રુપિયાનો દંડ બોર્ડે કર્યો છે.સૂત્રોના કહેવા અનુસાર આ પૈકીના મોટાભાગના શિક્ષકોએ ઉત્તરવહીઓ તપાસતી વખતે માર્ક મૂકવામાં અને ગણતરી કરવામાં યોગ્ય ધ્યાન નહીં આપ્યું હોવાનુ બહાર આવ્યું હતું અને તેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર પણ અસર પડી શકે તેમ હતી.આવા શિક્ષકોને ૧૦૦૦ રુપિયાથી માંડીને ૨૦૦૦ રુપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો છે.
જેમાં ધો.૧૦ના ૭૦ શિક્ષકોને ૭૦૦૦૦ રુપિયા અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાાન પ્રવાહના ૬૭ શિક્ષકોને ૮૯૦૦૦ રુપિયાનો દંડ ભરવા માટે બોર્ડે આદેશ કર્યો છે.બોર્ડ દ્વારા ડીઈઓ કચેરી થકી શિક્ષકોને ચેતવણી પણ આપવામાં આવી છે કે, ભવિષ્યમાં જો વિદ્યાર્થીઓના પરિણામ પર અસર કરતી ભૂલો શિક્ષકો કરશે તો તેમની સામે વધારે આકરી કાર્યવાહી કરવામાં આવશે.માર્કસની ગણતરી કરવામાં અને માર્કસ મૂકવામાં કોઈ પણ પ્રકારની ચૂક ચલાવી લેવામાં નહીં આવે.









