Get The App

સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફરિયાદ

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફરિયાદ 1 - image


Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડિંડોલી એક શાળાના શિક્ષકોએ જ શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. સરકારના નિયમ મુજબ આચાર્યએ સપ્તાહમાં 18 પીરીયડ લેવાનો હોય છે પરંતુ આ શાળાના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ પિરિયડ લેતા નથી. આ ઉપરાંત આક્ષેપ કરવામા આવ્યો છે કે આચાર્ય તાસ લેતા નથી અને મંજુરી વિનાના સાથી શિક્ષકોને બોલાવે છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડિંડોલી 32 નંબરની શાળા મરાઠી માધ્યમની છે. આ શાળાના શિક્ષકોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર લખી આચાર્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, શાળામાં આચાર્યની મનમાની અને ગેરવહીવટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. 

પત્રમાં આક્ષેપ કરાયો છે કે, આચાર્ય દ્વારા અઠવાડિયામાં 18 તાસ લેવાના સરકારના પરિપત્રનો અમલ આચાર્ય દ્વારા અમલ કરવામાં આવતો નથી. તેઓ પોતે તો વિદ્યાર્થીઓને ભણાવતા નથી અને અન્ય શિક્ષકોને પણ ઓફિસમાં આખો દિવસ બેસાડી રાખે છે. તેઓ વર્ગ ખંડમાં આવતા નથી અને સરકારની મંજુરી વિના પ્રવાસી શિક્ષકોને બોલાવી ક્લાસમાં મોકલવામાં આવી રહ્યા છે. 

શાળામાં શિક્ષકોની ઘટ હોવા છતાં પણ આચાર્ય અને અન્ય શિક્ષકો વર્ગ ખંડમાં જતા નથી અને જે શિક્ષકો પ્રવાસી શિક્ષક આવે છે તેની લાયકાત સામે પણ પ્રશ્ન છે તેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો છે. 

આ ઉપરાંત ભૂતકાળમાં સીસીટીવી ફુટેજ કાઢ્યા હતા તેમાં પણ આચાર્ય પિરિયડ ન લેવાનું બહાર આવ્યું હતું. હવે પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવા સાથે સરપ્રાઈઝ વિઝીટ કરવા માટે અરજીમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ અરજી સાથે શિક્ષકો સમિતિની કચેરી પહોંચ્યા હતા અને બાળકોના ભવિષ્ય બચાવવા માટે તપાસ કરી પગલાં ભરવાની માંગણી કરવા સાથે આચાર્યની બદલીની પણ માંગણી કરવામાં આવી છે. 

ફરિયાદમાં બોગસ નકલી સહાયકોનો ગંભીર આક્ષેપ

સુરતના ડિંડોલી શાળા ક્રમાંક 32ના શિક્ષકોએ આચાર્ય વિરુદ્ધ શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરી છે તેના કારણે હડકંપ મચી ગયો છે. આ ઉપરાંત આ ફરિયાદમાં બોગસ નકલી શિક્ષકો કામ કરી રહ્યા હોવાની ગંભીર ફરિયાદ કરી છે. 

ગુજરાતમાં અત્યાર સુધી અનેક વસ્તુઓ અને અધિકારીઓ નકલી હોવાના કિસ્સા બહાર આવ્યા છે પરંતુ સમિતિની શાળાના શિક્ષકોએ જ પોતાની શાળામાં સરકારની મંજુરી વિના જ સાથી શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ કરી છે અને સીસીટીવીના આધારે તપાસ કરવાની માંગણી પણ કરી છે. શિક્ષકોની ફરિયાદમાં ત્રણ સાથી શિક્ષકોની લાયકાત અને મંજૂરી સામે પણ પ્રશ્ન ઉઠાવી તપાસ કરવાની માંગણી કરી છે. આ ઉપરાંત આચાર્ય સાથે વર્ગખંડમાં ન જઈને આચાર્યની ઓફિસમાં બેસી રહેતા શિક્ષક કેટરીંગના ધંધા સાથે સંકળાયેલા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતા ન હોવાથી તેમના પગારની રિકવરી કરવા માટેની પણ માગણી થઈ છે. 

ભુતકાળમાં શિક્ષણ સમિતિએ આચાર્યને નોટિસ આપી હતી

સુરતના ડિંડોલી શાળા ક્રમાંક 32ના શિક્ષકોએ આચાર્ય સામે ગંભીર ફરિયાદ કરી છે અને આ ગંભીર ફરિયાદ સાથે શિક્ષકોએ આચાર્યએ ભુતકાળમાં પણ વિવાદી કામગીરી કરી હોવાનો ઉલ્લેખ કરવા સાથે આચાર્યને ભુતકાળમાં આપેલી નોટિસનું બિડાણ પણ કર્યું છે. 

શાળા ક્રમાંક 32 મરાઠી માધ્યમની શાળાના આચાર્ય  રવિન્દ્ર મરાઠેને 2020માં શિક્ષણ સમિતિએ નોટિસ આપી હતી. જેમાં પેનલ તપાસ રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે 2020 જાન્યુઆરીમાં શાળામાં તપાસ કરવામા આવી હતી. જેમાં શાળા સફાઈ, ઈલેકટ્રીકલ બાબતો, મધ્યાહન ભોજન તેમજ શાળાની ભૌતિક સુવિદ્યાઓ જેવી સમસ્યાઓને સુધારવામાં આચાર્યની બેદરકારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય શિક્ષક તરીકે ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ, શાળા સંચાલનમાં અણ આવડત અને શિક્ષકો વચ્ચે સંકલનનો અભાવ ધ્યાને આવ્યો હોવાનું જણાવ્યું હતું. 

આ ઉપરાંત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસંધાને તમારી મુખ્ય શિક્ષકની કરજો અને આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું. આ નોટિસથી આખરી તાકીદ આપવામાં આવી હતી કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેની તકેદારી રાખવી અને તમારા દ્વારા ભવિષ્યમાં આ પ્રકારની ભુલનું પુનરાવર્તન થશે તો નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા આચાર્ય સામે શિક્ષકોએ કરેલી ફરિયાદ શિક્ષણ વિભાગમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

Tags :