- જિલ્લામાં 4 હજાર શિક્ષકોને બીએચઓની ફરજથી શિક્ષણ કાર્ય પર અસર
- 144 પૈકી 105 દિવસ દરમિયાન મતદાર યાદીની કામગીરી બીએલઓને કરવાની રહેશે, 2500 મહિલા બીએલઓના નંબર પણ જાહેર કરાતા રોષ
આણંદ : આણંદ જિલ્લામાં મતદાર યાદી સુંધારણા અંતર્ગત શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપતા વિરોધ થઇ રહ્યો છે. જિલ્લામાં ૪ હજારથી વધુ શિક્ષકોને ફરજ સોંપવામાં આવતા ૧.૩૦ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઇ રહી છે. શૈક્ષણિક સત્રના ૧૪૪ પૈકી ૧૦૫ દિવસ મતદાર યાદીના કામગીરીમાં શિક્ષકોના જતા રહેશે. જેના કારણે ૩૨ દિવસમાં બીજા સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને પરીક્ષાની તૈયારી કરવાની જવાબદારી શિક્ષકો પર રહેશે. જેને લઇ શિક્ષકો પર કામગીરીનું ભારણ આવી રહ્યું છે અને કફોડી સ્થિતિમાં મૂકાયા છે.
આણંદ જિલ્લાની સાત વિધાનસભાના અંદાજિત ૧૭.૨૨ લાખ મતદારોને નવી મતદાર યાદી બનાવવાની કામગીરી ચાર નવેમ્બરથી શરૂ છે. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત હસ્તકનની ૯૯૦ શાળા,૨૬૦ ગ્રાન્ટેડ, બિન ગ્રાન્ટેડ શાળાઓના ૪ હજારથી વધુ શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં હાલ ૬ હજાર શિક્ષકોનું મહેકમ છે. જેમાં ૪ હજાર શિક્ષકોને એસઆઇઆરની કામગીરી કરવાનો આદેશ કરાયો છે. ૪,૦૦૦ પૈકી ૨૫૦૦ મહિલા કર્મચારીનો સમાવેશ થયો છે. જિલ્લા પંચાયત હેઠળ અંદાજિત ૯૫ હજાર અને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડના ૩૫ હજાર કુલ મળી ૧.૩૦ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ફ્રેબુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. જેથી શિક્ષકોને વધુ એક જવાબદારી આપી શકે છે.
જિલ્લામાં હાલમાં દરેક શાળામાં માત્ર બે જ શિક્ષક હાજર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. બંને શિક્ષકો ૧૧થી પાંચ વાગ્યા દરમિયાન બાળકોને સાચવાની કામગીરી કરી શક્યતા હોય છે. અભ્યાસની કામગીરી કરવા વાળા શિક્ષકો મતદાર યાદીમાં જોડાયા હોવાથી હવે તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડી રહ્યું છે. મતદાર યાદીની કામગીરીના કારણે બીએલઓ માનસિક રીતે દબાણ અનુભવી રહ્યાં છે. બીએચઓને ટાર્ગેટ પૂર્ણ કરવા માટે યેન કેન પ્રકારે ઠપકો પણ આપવામાં આવી રહ્યો છે. જેથી બીએસઓ કંટાળી ગયા છે.
લોક પ્રતિનિધી ધારા 1951 હેઠળ શિક્ષકોને હુકમો કરાતા ફફડાટ
આણંદ જિલ્લામાં મતદાર યાદીની કામગીરીમાં ચૂંટણી પંચ દ્વારા લોક પ્રતિનિધી ધારા ૧૯૫૧ મુજબને સત્તાથી જિલ્લા કલેક્ટરે કર્મચારીઓને મતદાર યાદીની કામગીરીમાં જોડાવવાનો આદેશ કર્યો છે. જેમાં કામગીરીમાં વિલંબ અને અનિયમિતતા વગેરે સંદર્ભે ધરપકડ અને વોરંટ કાઢવા સુધીની સત્તાઓ જિલ્લા કલેક્ટરને આપાવમાં આવી છે. જેથી શિક્ષકો બેદરકારી દાખવે તો રેકોર્ડ ખરાબ થવાની અને કાર્યવાહી થવાનો ભય ફેલાયો છે.
કેટલીક જગ્યાએ મતદારો પણ હાજર હોતા નથી, બીએલઓને ટાર્ગેટ અપાતા ભારણ : જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ
આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શરૂ કરાયેલી નવી મતદાર યાદીની કામગીરી દરમિયાન શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે અને રોજિંદા અમુક ટાર્ગેટ પૂરો કરવાનું પણ ફરજિયાત કહેવામાં આવ્યું છે. જ્યારે વાસ્તવિક સ્થિતિ એ છે કે, કેટલી જગ્યાએ મતદારો હાજર હોતા પણ નથી તથા મરણ પામેલા અથવા સ્થાનાંતર પામેલા મતદારો વિશે માહિતીઓ પણ મળતી હોતી નથી જેથી બીએલઓનો ટાર્ગેટ પૂરું થઈ શકતું નથી.


