Gujarat

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં મોટા ભાગની શાળાની બહાર દબાણની સમસ્યા : સગરામપુરા કોપચી વાડ અને હાફેઝા સ્ટ્રીટ સહિતની શાળા બહાર પણ પારાવાર દબાણ : વિદ્યાર્થી-વાલીઓ અને શિક્ષકોને પણ અવર જવર માટે મુશ્કેલી

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર

Surat Corporation : સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ કે સેન્ટ્રલ ઝોનના ચૌટા બજાર જ નહીં પરંતુ સુરત પાલિકાની સ્કુલની આસપાસ પણ દબાણની સમસ્યા માઝા મુકી રહી છે. પાલિકા જાહેર રસ્તા પરથી ગેરકાયદે દબાણ માટે પોલીસ બંદોબસ્તથી દબાણ હટાવે છે પરંતુ પાલિકાની જ શાળાની આસપાસના માથાભારે તત્વોના દબાણ હટાવવામાં પાલિકાના હાથ ટુંકા પડી રહ્યાં છે. પાલિકા દ્વારા આ દબાણ દુર કરવા માટે કોઈ કામગીરી થતી નથી. લિંબાયત એક સ્કૂલની આસપાસ પારાવાર દબાણના કારણે થતી સમસ્યા નિવારવા માટે શાળાએ ઝોનને દબાણ દુર કરવા માટે પત્ર લખવો પડ્યો છે. 

સુરત પાલિકાના લિંબાયત ઝોનના ભાઠેના વિસ્તારમાં શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 29 જે ડૉ.જગદીશચંદ્ર બોઝ ઉર્દુ શાળા તરીકે ઓળખાઈ છે. તે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા લિંબાયત ઝોનને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, આ અત્રેની શાળાની સામે લોકો ટેમ્પો પાર્ક કરે છે. અને શાળાની ચારે બાજુની દિવાલથી લારી-ગલ્લાઓ લગાવે છે. તેથી શાળા ફરતે ગંદકી થાય છે. અને બાળકોને આવવા જવામાં તકલીફ થાય છે. તેથી આપને આ સમસ્યાનું યોગ્ય નિવારણ કરવા વિનંતી છે. આ પત્ર સાથે શાળાની આસપાસ થતા દબાણના ફોટોગ્રાફ પણ આપવામાં આવ્યા છે. 

સુરતના ભાઠેના વિસ્તારે પોતાની સમસ્યા પત્ર દ્વારા ઝોનને જાણ કરી છે. જોકે, આ સ્થિતિ માત્ર એક શાળાની નથી શિક્ષણ સમિતિની અનેક શાળાઓ એવી છે તેની ફરતે માથાભારે તત્વોએ દબાણ કરી દીધા છે. આવા પ્રકારના દબાણ સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં જોવા મળી રહ્યાં છે. સેન્ટ્રલ ઝોનના સગરામપુરા કોપચીવાડમાં તો પાલિકાની શાળાની આસપાસ લોકો બકરા બાંધે છે અને મરઘીના પીંજરા મુકે છે. આ ઉપરાંત ગેરેજવાળા તથા સ્થાનિકો આડેધડ વાહન પાર્ક કરી દે છે જેના કારણે વિદ્યાર્થી-વાલીઓ સાથે શિક્ષકોને પણ શાળામાં જવા હેરાન થવું પડે છે. આવ જ રીતે સગરામપુરા હાફેઝા સ્ટ્રીટમાં આવેલી સમિતિની શાળાની આસપાસ સ્થાનિકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરી દેવામા આવે છે અને સ્થાનિકો કચરો નાંખી ગંદકી પણ કરે છે. આવી હાલ સેન્ટ્રલ ઝોન અને લિંબાયતની અનેક શાળાની છે. પરંતુ કોઈ ફરિયાદ એટલે નથી કરતું કે જો ફરિયાદ થાય તો સમિતિના કેટલાક અધિકારીઓ શાળાના આચાર્ય અને શિક્ષકો ગુનેગાર હોય તેવું વર્તન કરતા હોય તેવા આક્ષેપ થઈ રહ્યાં છે.

માથાભારે તત્વોના શાળાની આસપાસના દબાણ દુર કરવા માટે ભુતકાળમાં પણ અનેક પત્રો લખાયા છે તેમ છતાં કાયમી ધોરણે આ દબાણ દુર થઈ શકતા નથી. જેના કારણે માથાભારે દબાણ કરનારાઓ અને વાલીઓ વચ્ચે કેટલીક વખત ધર્ષણ પણ થાય છે. અને શાળાની આસપાસની ગંદકીના કારણે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના આરોગ્યને પણ ખતરો થયો છે. સુરતના ચૌટા બજાર અને બરોડા પ્રિસ્ટેજમાંથી દબાણ હટાવી સમસ્યાનો હલ લાવતી પાલિકા શિક્ષણ સમિતિની દરેક શાળા બહારથી દબાણ હટાવી ગંદકી દૂર કરે તેવી માંગણી થઈ રહી છે.