વર્ચ્યુઅલ રિયાલિટીથી વિજ્ઞાન જેવા ગહન વિષયને શિક્ષકે સરળ બનાવ્યો

બવાડી પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકનો નવતર પ્રયોગ : ડેટા એનાલિસીસ રોબોટના માધ્યમથી લાઇવ પ્રયોગો : મેથેમેટિક્સ પઝલ ગેમ્સ એપ દ્વારા વૈદિક ગણિતની શિક્ષા : ભારતીય સાયન્સ ટેકનોફેસ્ટમાં આ રોબોટને ગોલ્ડ મેડલ પણ મળ્યો છે
અમરેલી, : 'શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે.' આવા જ એક શ્રેષ્ઠ શિક્ષક છે અમરેલી જિલ્લા બવાડી પ્રાથમિક શાળાના શિક્ષક, કે જેમણે અંતરિયાળ વિસ્તારના બાળકો માટે નવતર પ્રયોગ થકી વિજ્ઞાાન જેવા ગહન વિષયને પણ સરળ બનાવ્યો છે. વર્ચ્યુઅલ રિયાલિટીની ઉભરતી ટેકનોલોજી થકી માનવ શરીરમાં હૃદયની કામગીરી, શ્વસન તંત્ર સહિત અઘરા ટોપિક વી.આર. બોક્સના માધ્યમથી સરળતાથી વિદ્યાર્થીઓ શીખતાં થયા છે. બવાડી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક વરૂણકુમાર દવેે મેથેમેટિક્સ પઝલ ગેમ્સ એપ ડેવલપ કરી છે, જેના થકી તેઓ શાળાના બાળકોને વૈદિક ગણિત સરળતાથી શીખવી રહ્યા છે. રાજ્યના 10,000 બાળકોએ આ ગેમ ડાઉનલોડ કરી છે. આ એપમાં 2D અને 3D આકૃતિ છે. જેના વડે બાળકો વિજ્ઞાાનના અઘરા ટોપિક્સ સરળતાથી ભણી રહ્યા છે.
આ શિક્ષકે ડેટા એનાલિસીસ રોબોટ બનાવ્યો છે જે, સ્માર્ટ હેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમનો એક મહત્વનો ભાગ ગણી શકાય. હાર્ટબિટ, બ્લડ પ્રેશર, લોહીમાં એકિસજનનું પ્રમાણ વગેરે ટોપિક્સનું રોબોટના માધ્યમથી લાઇવ પ્રયોગો કરીને બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. જેના લીધે બાળકોને વિજ્ઞાાનમાં રસ - રૂચિ વધ્યા છે. ભારતીય સાયન્સ ટેકનોફેસ્ટમાં આ રોબોટને ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. બાળકો ગણિત અને વિજ્ઞાાનના કોયડા, સિદ્ધાંતો, સૂત્રો સરળતાથી સમજી શકે તે માટે ગણિત વિજ્ઞાાન કીટ અને પોકેટ સાઇડ ડીકશનરી સહિતના નવતર પ્રયોગો થકી બાળકોને પાયાની શિક્ષા સરળ રીતે પૂરી પાડી રહ્યા છે.








