નર્મદા કેનાલમાં ડૂબી ગયેલ શિક્ષકની લાશ ૨૦ કિલોમીટર દૂર તરતી મળી

વડોદરા, તા.6 હાલોલ વડોદરા ટોલ રોડ પર ખંડીવાડા ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાં વડોદરાની ખાનગી સ્કૂલના બે પરપ્રાંતિય શિક્ષકો ગઇ રાત્રે ડૂબીને લાપત્તા થઇ ગયા બાદ ઘટનાના ત્રીજા દિવસે ૨૦ કિ.મી. દૂરથી એક શિક્ષકની લાશ મળી હતી જ્યારે બીજા શિક્ષક હજી પણ લાપત્તા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ફીનીક્ષ સ્કૂલમાં મેથેમેટિક્સના શિક્ષક વિદ્યુતપ્રકાશ રવિનેદ્ર સિંગ તા.૪ના રોજ બપોરે ૨૭ વર્ષના મિત્ર શુભમ મિતિલેશકુમાર પાઠક (રહે.શરણમ રેસિડેન્સી, નિઝામપુરા), અશિત જન્મેજય ઓઝા અને રાહુલ વિરેન્દ્ર યાદવ સાથે કારમાં વડોદરાથી પાવાગઢ ગયા હતી અને સાંજે ત્યાંથી ચારેય મિત્રો કારમાં વડોદરા પરત ફરી રહ્યાં હતા.
દરમિયાન રાહુલ યાદવ અને શુભમ પાઠકે ખંડીવાડા કેનાલ પર જઇ થોડીવાર બેસીએ તેમ જણાવ્યું હતું. રાત્રે આશરે સવા નવ વાગ્યાની આસપાસ કાર રોકી હતી. દરમિયાન રાહુલ કેનાલમાં પગ ધોવા માટે ઉતરતા તેનો પગ લપસતા પાણીના વહેણમાં તણાયો હતો. રાહુલને તણાતો જોઇ તેને બચાવવા માટે શુભમ પણ કેનાલમાં કૂદતા બંને લાપત્તા થઇ ગયા હતાં.
રવિવારની રાત્રે બંને શિક્ષકોની વ્યાપક શોધખોળ છતાં પત્તો મળ્યો ન હતો. ગઇકાલે પણ બંનેની કેનાલમાં શોધખોળ કરાઇ હતી. દરમિયાન આજે બપોરે ઘટના બની તે સ્થળથી આશરે ૨૦ કિ.મી. દૂર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સમા ગામ પાસેથી નર્મદા કેનાલમાં તરતી હાલતમાં રાહુલ યાદવની લાશ મળી હતી. જ્યારે બીજા શિક્ષકનો હજી પત્તો નથી.









