Get The App

બગોદરાની શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને લાકડીથી માર માર્યો

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
બગોદરાની શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને લાકડીથી માર માર્યો 1 - image

બાળકને હાથ પર સોજો આવતા હોસ્પિટલ ખસેડાયો

અગાઉ પણ શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીઓને માર માર્યો હતો ઃ શિક્ષાકાને ફરજ મુક્ત કરવાની વાલીઓમાં માંગ

બગોદરા -  બગોદરા પ્રાથમિક શાળામાં અમીબેન નામના શિક્ષિકાએ વિદ્યાર્થીને લાકડી વડે માર માર્યો હતો. આ વિદ્યાર્થીના હાથ પર સોજો આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો. વિદ્યાર્થીને નિર્દયતાપૂર્વક માર મારતા શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

બગોદરા પ્રાથમિક શાળાની શિક્ષિકા અમીબેને ધો.૫માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સામાન્ય બાબતે લાકડી વડે બેફામ માર મારતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નોંધનીય છે કે, આ શિક્ષિકા વિરુદ્ધ અગાઉ પણ વિદ્યાર્થીઓને શારીરિક-માનસિક ત્રાસ આપવાની ફરિયાદો ઉઠી હતી. તે સમયે વાલીઓના વિરોધ બાદ શિક્ષિકાએ ફરી આવું ન કરવાની બાહેધરી આપી હતી, પરંતુ શિસ્તના નામે ફરી એકવાર ક્રૂરતા આચરવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીની હાલત જોઈ પિતા ભરતભાઈએ અંતે ૧૧૨ નંબર પર ડાયલ કરી પોલીસની મદદ માંગી હતી. બગોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. શાળાના આચાર્ય હિતેશભાઈએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવાની ખાતરી આપી છે. બીજી તરફ, રોષે ભરાયેલા ગ્રામજનો અને વાલીઓએ માસૂમ બાળક પર નિર્દયતા આચરનાર શિક્ષિકાને તાત્કાલિક ફરજમુક્ત કરવાની અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.