જીજ્ઞોશ શાહે પત્નીના નામની ત્રણ કંપની દ્વારા AMCમાં કોન્ટ્રાક્ટ લીધા
ટીડીઓ એસ્ટેટની અપ્રમાણસર મિલકતના કેસમાં મોટા ખુલાસો
ગેરરીતિના નાણાંનું કન્સ્ટ્ર્ક્શન કંપનીમાં મોટાપાયે રોકાણ કર્યું ઃ ૧.૩૪ કરોડની કિંમતના સોના-ચાંદીના મળી આવ્યાઃ ૧૭ બેંક એકાઉન્ટ અને લોકર ફ્રીઝ કરાશે
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીડીઓ એસ્ટેટ અધિકારી તરીકે ફરજ બજાવતા જીજ્ઞોેશ શાહ વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા ૩.૦૭ કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં તપાસ દરમિયાન મોટા ખુલાસા થયા છે. જીજ્ઞોશ શાહે ૧૨ વર્ષ પહેલા તેની પત્નીના નામે અલગ અલગ ત્રણ કંપની શરૂ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશનમાં ડીઝાઇનીંગ અને કન્ટ્રક્શનના કોન્ટ્રાક્ટ લઇને પણ છેતરપિંડી આચરી હતી. એસીબીને તેના ઘરેથી સર્ચ ઓપરેશન દરમિયાન ૧.૩૪ કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. સાથેસાથે તેના ૧૭ બેંક એકાઉન્ટ અને એક લોકરને પણ સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે.
એએમસીમાં ટીડીઓ એસ્ટેટ અધિકારી તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ વિરૂદ્ધ લાંચ રૂશ્વત બ્યુરોએ રૂપિયા ૩.૦૭ કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ નોંધ્યો હતો. જેમાં જીજ્ઞોશ શાહે વર્ષ એપ્રિલ ૨૦૧૨થી માર્ચ ૨૦૨૨ દરમિયાન તેની આવકના ૧૦૨ ટકા વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા એસીબીના અધિકારીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૦માં જીજ્ઞોશ શાહે સબ ઇન્સ્પેક્ટર ડીટીડીઓ તરીકે નોકરીમાં જોડાયા હતા. વર્ષ ૨૦૧૧માં તેણે તેની પત્ની આકૃતિના નામે આકૃતિ ઇન્ફ્રા , આકૃતિ કન્સ્ટ્ર્શન અને આકૃતિ ડેવેલોપર્સ નામની કંપની શરૂ કરી હતી.
બાદમાં પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પણ મેળવ્યા હતા. ગેરરીતિના નાણાંનું રોકાણ કન્ટ્રક્શન કંપનીમાં કરવાની સાથે તેણે રૂપિયા ૧.૩૪ કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ ખરીદી કર્યા હતા. જે એસીબીએ જપ્ત કર્યા છે. સાથેસાથે તેના ૧૭ બેંક એકાઉન્ટ અને એક બેંક લોકર પણ મળી આવ્યું હતું. જે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેણે શેર બજારમાં પણ ખુબ મોટાપ્રમાણમાં રોકાણ કર્યાની વિગતો પણ સામે આવી છે.જીજ્ઞોશ શાહે વેસ્ટ, ઇસ્ટ અને નોર્થ ઝોનમાં નોકરી કરી છે અને એપ્રિલ ૨૦૨૫થી એએમસીની હેડ ઓફિસમાં બદલી કરવામાં આવી હતી. એસીબી તેની કંપનીએ એએમસી સાથે કરેલા કોન્ટ્રાક્ટ અંગે પણ તપાસ કરશે. ત્યારે આ મામલે મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.