જામનગરમાં કિસાન ચોકમાં રહેતા ટેક્સી ડ્રાઇવર યુવાન પર વ્યાજના નાણાંની ઉઘરાણીના પ્રશ્ને ધોકા વડે હુમલો કરાયો
Jamnagar : જામનગર શહેરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને ટેક્સી ડ્રાઇવિંગ તરીકે કામ કરતા હિરેન રાજેશભાઈ નાખવા નામના 29 વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ઈજા પહોંચાડવા અંગે નાગરપરામાં રહેતા અને બ્રાસપાટનો ધંધો કરતા દિનેશ શીવલાલભાઈ જોઈસર સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને આરોપી પાસેથી રૂપિયા 40,000 નો માલ સામાન ખરીદ્યો હતો, અને તેના બદલામાં બે કોરા ચેક આપ્યા હતા.
ત્યારબાદ તેણે કટકે કટકે 30,000 રૂપિયાની રકમ ચૂકવી દીધી હતી, તેમ છતાં આરોપીએ આવીને ધોકાવડે માર માર્યો હતો, અને 30,000 રૂપિયા આપ્યા એ તો માત્ર વ્યાજ હતું મુદ્દલ ચાલીસ હજાર બાકી છે જે કઢાવવા માટે પતાવી દેવાની ધમકી આપી હતી, જેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બ્રાસપાર્ટના ધંધાર્થી સામે પઠાણી વ્યાજ સહિતની ઉઘરાણી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.